અમદાવાદના જગપ્રસિદ્ધ વૃદ્ધાશ્રમ ‘જીવન સંધ્યા’ના ટ્રસ્ટી અને પ્રખર સમાજ સેવક ફરસુભાઇ કક્કડનું ૧૮મી ઓગસ્ટે સવારે એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું. છેલ્લાં થોડાંક વરસોથી એ પોતે કિડનીની બીમારી અને લીવર તેમજ ફેફસાંના વ્યાધિનો ભોગ બન્યા હતા અને સતત ડાયાલિસિસની સારવાર લેતા હતા, પરંતુ એમના સામાજિક કાર્યોના ઉત્સાહમાં જરા પણ ઓટ આવી નહોતી. ફરસુભાઇએ દેહદાન અને નેત્રદાનનો સંકલ્પ લીધો હતો. તેમણે અનેક લોકોને પણ દેહદાન અને નેત્રદાન જેવા મુદ્દે પ્રેરણા આપી હતી અને ૩૮૦થી વધુ દેહદાન તેમજ ૩૭૫થી વધુ નેત્રદાન કરાવ્યાં હતાં. તેઓ અવારનવાર સ્કૂલ કોલેજનાં વિદ્યાર્થીઓને જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં તેડાવીને એવા પ્રસંગો સર્જતા જેથી ઊગતી પેઢીના ટીનેજર્સ માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મોકલતાં પહેલાં વિચારતાં થઇ જાય.
• USમાં રહેતા કાકા સસરાના રૂ. ૩૬ લાખ જમાઈ ચાઉં કરી ગયોઃ આંબાવાડી ન્યૂ આસિત એપાર્ટમેન્ટમાં રહેતા પ્રીતિબહેન પટેલે મણિનગરમાં રહેતી પિતરાઈ બહેન રોશનીના પતિ નૈતિક અમીન વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પ્રીતિબહેનની ફરિયાદ અનુસાર તેઓ હાલમાં અમેરિકામાં રહે છે અને તેમના માતા વિમલાબહેન અને પિતા ઘનશ્યામભાઇ પટેલ ૨૦૧૦થી તેમની સાથે અમેરિકામાં રહેતા હતા. દરમિયાનમાં ૨૦ એપ્રિલે વિમલાબહેનનું અવસાન થયું હતું. જોકે અમેરિકા ગયા પછી વિમલાબહેન અને ઘનશ્યામભાઇ ક્યારેય ભારત પાછા આવ્યા નથી. પ્રીતિબહેને પોલીસમાં ફરિયાદ કરી હતી કે ૨૦૧૪માં તેઓ ભારત આવ્યાં ત્યારે બેંકના ચેક અને કાગળથી તેમને ખબર પડી હતી કે ૨૦૧૧માં નૈતિકે બનાવટી ડોક્યુમેન્ટ અને સહીઓના આધારે વિમલાબહેન અને ઘનશ્યામભાઇના એકાઉન્ટ ખોલાવ્યા હતા અને વૃદ્ધ દંપતીની ખોટી સહીઓના આધારે પીપીએફ (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ)માંથી રૂ. ૩૬ લાખ પોતાના ખાતામાં જમા કરાવી લીધા હતા.
• પાવર ઓફ એટર્નીથી દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરાવી શકાશેઃ રાજ્યભરમાં ખેતીલાયક જમીનો અંગે સોદા કર્યા બાદ પાવર ઓફ એટર્ની દ્વારા દસ્તાવેજો રજિસ્ટ્રર નહીં કરવા અંગે સરકારે બહાર પાડેલા ૩ પરિપત્રોને હાઈ કોર્ટે તાજેતરમાં રદ કર્યા હતા. તેના કારણે જૂની પ્રથા ચાલુ રહેશે. અગાઉના પરિપત્ર મુજબ પાવર ઓફ એટર્નીને સીધા જ દસ્તાવેજ રજિસ્ટર કરવા પર સરકારે પાબંદી મૂકી હતી અને રજિસ્ટ્રારને મૂળ માલિકને નોટિસ કાઢવાની સત્તા આપી હતી. જોકે, સરકારના ત્રણેય પરિપત્ર રદ્દ કરાતા હવેથી પાવર ઓફ એટર્ની દ્વારા સીધા જ દસ્તાવેજો રજિસ્ટ્રર કરી શકાશે. રાજીવ મહેશભાઈ મહેતા નામના અરજદાર વતી એડવોકેટ દેવલ પરીખે દલીલ કરી હતી કે સરકારે અગાઉ ત્રણ પરિપત્ર બહાર પાડી પાવર ઓફ એટર્ની થકી સીધા જ દસ્તાવેજોની નોંધણી કરવા પર પાબંદી મૂકી હતી. સરકારના આ પરિત્રપો ગેરબંધારણીય છે તેથી રદ્દ થવા જોઈએ.

