ગાંધીનગર: વડા પ્રધાન મોદી શુક્રવારે સવારે દસેક વાગે અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા હતા અને રોકાણ એક કલાક લંબાવી બપોરે લગભગ બે વાગે એમણે નવી દિલ્હી જવા વિદાય લીધી હતી. આશરે પાંચ કલાકના એમના રોકાણ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. એરપોર્ટથી સીધા તેઓ સવા દસ વાગે સાબરમતી આશ્રમ આવ્યા અને ત્યાં દસેક મિનિટ ગાળી હૃદયકુંજની મુલાકાત લઈ એમણે ગાંધીજીના તૈલચિત્રને સૂતરની આંટી પહેરાવી હતી. એમણે આશ્રમની ડાયરીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંગે વિસ્તૃત નોંધ પણ લખી હતી.
સાબરમતી આશ્રમની પડખે આવેલા અભયઘાટ ખાતે સર્જાયેલા વિશાળ એરકૂલ્ડ ડોમમાં એમણે જનમેદની સમક્ષ ૪૦ મિનિટનું વક્તવ્ય આપ્યું હતું. બાદમાં એમણે પ્રતીકાત્મક રીતે દાંડી જવા માટે ૮૧ પદયાત્રીઓને ઝંડી બતાવી ઉષ્માભેર વિદાય પણ આપી હતી.
અભયઘાટ ખાતે બપોરે ૧૨ વાગે મોદીએ એમનું ભાષણ શરૂ કર્યું એ પહેલાં સવા કલાક સુધી ત્યાં બાજુમાં બનાવાયેલા વિવિધ લેયરના વિશાળ સ્ટેજ ઉપર રંગારંગ કાર્યક્રમ ચાલ્યો હતો. જેમાં જાણીતા સિંગર જુબિન નૌટિયાલે દાંડીયાત્રા સાંકળીને બનાવેલું દેશભક્તિનું ગીત, જાણીતા ગાયક હરિહરને વંદેમાતરમ્ રાષ્ટ્રગીત સાંકળીને દેશભક્તિનું ગીત રજૂ કર્યા હતા, તો કશ્મીરી યુવતીઓએ કશ્મીર અંગે તથા તામિલ યુવતીઓએ ત્રિરંગાનો મહિમા વર્ણવતું સુબ્રમણ્યમ્ ભારતીનું સમૂહગીત રજૂ કર્યા હતા. આ સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમ કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા રજૂ થયો હતો.
વડા પ્રધાને એમના વક્તવ્ય અગાઉ આઝાદી કા અમૃત મહોત્સવ માટે અલાયદી વેબસાઇટ લોન્ચ કરી હતી. સાથોસાથ એક વિશિષ્ટ પ્રકારનો ચરખો પણ લોન્ચ કરાયો હતો. અમૃત મહોત્સવ દરમિયાન દેશ માટે દેશના કોઈ પણ ખૂણે કોઈ કામ થશે ત્યારે તે કામ અંગેની જાણકારી આપતાં ટ્વિટ સાથે જ ચરખો એક રાઉન્ડ ફરશે અને મહોત્સવ દરમિયાન વિશિષ્ટ કાર્યો દ્વારા આ ચરખો સતત ફરતો રાખવાની યુવાનો સહિત સૌ કોઈને અપીલ પણ વડા પ્રધાન દ્વારા કરવામાં આવી છે.
અભયઘાટ ખાતે સ્ટેજના પાછળના ભાગે ગુજરાતના જાણીતા ઇતિહાસકાર રિઝવાન કાદરી દ્વારા તૈયાર થયેલું પ્રદર્શન પણ વડા પ્રધાને રસપૂર્વક નિહાળ્યું હતું.
આઝાદી જંગમાં નેતૃત્વ પછી વિકાસમાં પણ ગુજરાતની આગેવાની: મુખ્ય પ્રધાન
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શુક્રવારે અભયઘાટ ખાતે વડા પ્રધાન મોદીની ઉપસ્થિતિવાળા કાર્યક્રમમાં ટૂંકું પ્રવચન કર્યું હતું, જેમાં એમણે જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષ બાદ સમગ્ર રાષ્ટ્ર ‘લીવ ફોર ધ નેશન’ના મંત્ર સાથે વિશ્વગુરુ બનવા તરફ પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે પ્રતીકાત્મક રીતે આજથી શરૂ થયેલી દાંડીયાત્રા દેશમાં જનચેતના જગાવનારી જનયાત્રા બની રહેશે. તેમણે એમ પણ કહ્યું કે, આઝાદીની ચળવળમાં ગુજરાતના બે સપૂતો મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ગુજરાતે નેતૃત્વ લીધું હતું તે રીતે દેશના વિકાસનું પણ ગુજરાત નેતૃત્વ કરશે. ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બની દેશનું દિશાદર્શન કરી રહ્યું છે.
વડા પ્રધાન મોદીની પાંચ કલાકની મુલાકાત દરમિયાન ગવર્નર દેવવ્રત આચાર્ય સંગાથે તમામ કાર્યક્રમોમાં સતત સાથે રહેનારા મુખ્ય પ્રધાન અમદાવાદ એરપોર્ટ ઉપર વડા પ્રધાનના આગમન વખતે સ્વાગત કાર્યક્રમમાં અને વિદાય કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હતા.


