અમદાવાદ સહિત દેશના ૭ જેટલા એરપોર્ટ પર વિઝા ઓન એરાઈવલની સુવિધા શરૂ થશે. જ્યાં વિદેશથી આવનારા મુસાફરોને એરપોર્ટ પર જ તત્કાલ ઇ-ટૂરિસ્ટ વિઝા અપાશે. આ સુવિધા જુલાઈના અંત સુધીમાં શરૂ થાય તેવી શક્યતા એરપોર્ટના અધિકારીઓએ વ્યક્ત કરી છે. દિલ્હીથી અધિકારીઓની વિશેષ ટીમે અમદાવાદ સહિત અન્ય એરપોર્ટ પર આ સુવિધા શરૂ કરવા માટે ઇન્સ્પેકશન હાથ ધર્યું હતું. આ ટીમે આપેલા રિપોર્ટ બાદ હવે અમદાવાદ સહિત વારાણસી, જયપુર, અમૃતસર, ગયા, લખનૌ અને ત્રીચી એરપોર્ટ ખાતે ઈ-ટૂરિસ્ટ વિઝા આપવા કાઉન્ટર શરૂ કરાશે. જ્યાં ચીન સહિત ૩૧ જેટલા દેશના ટૂરિસ્ટોને તત્કાલ વિઝા મળશે.
NRI થાપણમાં ૧૧૫ ટકાનો વધારોઃ આર્થિક અનિશ્ચિતતા અને રૂપિયામાં ઉલ્લેખનીય ઘટાડો થવાથી ગુજરાતમાં NRI થાપણનો આંકડો રૂ. ૫૦, ૦૦૦ કરોડના આંકડાને પાર કરી ગયો છે. ભારતીય બેંકો દ્વારા NRIને થયેલી આકર્ષક વ્યાજદરની ઓફરના કારણે વિદેશવાસી ગુજરાતીઓની થાપણમાં ૧૧૫ ટકા સુધીનો વધારો છેલ્લા ત્રણ વર્ષમાં નોંધાયો છે. યુરોપ અને આફ્રિકન દેશોમાં લિક્વિડીટી કટોકટીના કારણે ઘણા NRI તેમનાં ફંડની રકમ ભારતમાં ખસેડી રહ્યા છે. એક અખબારના અહેવાલ મુજબ વર્ષ ૨૦૧૪-૧૫માં રૂ. ૫૪,૫૭૪ કરોડ NRI દ્વારા જમા થયા હતા. જ્યારે ૨૦૧૧-૧૨માં રૂ. ૨૫,૪૦૦ કરોડ જમા થયા હતા.
અમદાવાદ ઇડીની યુએસમાં ૧૨૮૦ એકર જમીનને ટાંચઃ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી)એ, રાષ્ટ્રીયકૃત બેંકો પાસેથી લગભગ રૂ. ૨,૨૦૦ કરોડની લોન મેળવીને આચરાયેલા સૌથી મોટા બેંક લોન કૌભાંડના અમેરિકામાં જમીન ટાંચમાં લીધી છે. આ કેસમાં સૌપ્રથમવાર અમેરિકાના કેલિફોર્નિયામાં ૧,૨૮૦ એકર જમીન ટાંચમાં લીધી છે. પ્રિવેન્શન ઓફ મનીલોન્ડરંગ એક્ટ અંતર્ગત ટાંચમાં લેવાયેલી આ જમીનની કિંમત અંદાજે રૂ. એક હજાર કરોડ છે. વિદેશમાં મોટા પ્રોજેક્ટ હાથ ધરવાના બહાના હેઠળ ઝૂમ ડેવલપર્સ પ્રાઇવેટ લિ.ના પ્રમોટરોએ કરોડોનું બેન્ક લોન કૌભાંડ આચર્યું હતું. ઝૂમ ડેવલપર્સના પ્રમોટરો પૈકી શરદ કાબરાની ગત મહિને ધરપકડ કરાઈ છે જ્યારે વિજય ચૌધરી હજુ ભાગેડું છે. ઇડીએ ચૌધરી સામે વોરંટ પણ ઇસ્યુ કર્યું છે. ઝૂમ ડેવલપર્સના પ્રમોટરોએ વિદેશોમાં મેગા પ્રોજેક્ટ હાથ ધરવાની યોજનાઓ રજૂ કરી હતી અને તેના માટે વિવિધ બેંકો પાસેથી રૂ. ૨,૨૦૦ કરોડની જંગી લોન લીધી હતી. આ પ્રકારે જંગી રકમની બેક લોન લીધા પછી વિદેશમાં કોઈ પણ પ્રકારના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા નહોતા અને બેંકો સાથે છેતરપિંડી કરી હતી.
કય્યૂમની સામે વણઝારાનો રૂ. ૧૦૧ કરોડનો દાવોઃ અક્ષરધામ પર આતંકવાદી હુમલાના કેસમાં ૧૧ વર્ષનો જેલવાસ ભોગવી સુપ્રીમ કોર્ટમાં નિર્દોષ છૂટેલા અમદાવાદના મુફ્તી અબ્દુલ કય્યુમ મનસુરી સામે પૂર્વ આઈપીએસ અધિકારી ડો. ડી. જી. વણઝારાએ રૂ. ૧૦૧ કરોડનો બદનક્ષીનો દાવો માંડ્યો છે. કય્યુમે પોતાના જેલવાસના અનુભવો પર લખેલા પુસ્તક ‘૧૧ સાલ સલાખોં કે પીછે’માં વણઝારા સામે વાંધાજનક લખાણ લખ્યું હોવાનો આક્ષેપ છે. બદનક્ષીનો દાવો એડિશનલ સેશન્સ જજ જે. વી. પંડ્યાએ દાખલ કરી અબ્દુલ કય્યૂમને નોટિસ જારી કરી આ અંગેની વધુ સુનાવણી ૩૧ જુલાઈના રોજ નિયત કરી છે.
સરકારે આસારામના આશ્રમની જમીન પરત લીધીઃ આસારામના અમદાવાદ-મોટેરા ખાતે આવેલા મહિલા ઉત્થાન આશ્રમની ૧૦ એકર જમીન સરકારે પરત લઈ લીધી છે. આસારામે અહીં વૃક્ષો ઉગાડવાની ખાતરી આપીને તે ૧૫ વર્ષના લીઝ પર લીધી હતી. પરંતુ શરતનું પાલન ન થતાં અમદાવાદ જિલ્લા કલેક્ટરે લીઝ રિન્યૂ કરવા માટેની આશ્રમની અરજી ફગાવી હતી. કલેક્ટર કચેરી હવે ટૂંકસમયમાં જમીનનો કબજો મેળવશે.
ખલીલ ધનતેજવીને વલી ગુજરાતી ગઝલ એવોર્ડઃ ગુજરાત સાહિત્ય અકાદમીના વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર દ્વારા ગુજરાતી ગઝલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર કોઈ એક ગઝલકારને દર વર્ષે ‘વલી ગુજરાતી ગઝલ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૩નો આ એવોર્ડ ગુજરાતી અને ઉર્દૂ ભાષાના જાણીતા ગઝલકાર ખલીલ ધનતેજવીને એનાયત કરવાનું સાહિત્ય અકાદમીએ જાહેર કર્યું છે.