જે પક્ષ ૧૮ બેઠકો ફાળવશે તે પક્ષને મુસ્લિમોનું સમર્થન: મદની

Friday 17th November 2017 13:40 EST
 

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મુસ્લિમોએ પણ ગુજરાતના રાજકારણમાં પોતાનો હિસ્સો માગ્યો છે. ભાજપ તથા કોંગ્રેસ બંનેમાંથી જે પક્ષ ગુજરાતમાં મુસ્લિમોને ૧૮ બેઠકો ફાળવશે તે પક્ષને મુસ્લિમો સમર્થન આપશે તેવું રાષ્ટ્રીય ઉલેમા કાઉન્સિલના પ્રમુખ મૌલાના આમિર રશાદી મદનીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ માત્ર ત્રણ જણનું નામ લેવાઈ રહ્યું છે. જેમાં હાર્દિક પટેલ જે પાટીદારોની વાત કરે છે, જિજ્ઞેશ મેવાણી દલિતોની વાત કરે છે તથા અલ્પેશ ઠાકોર માત્ર ઓબીસીની વાત કરે છે. પરંતુ મુસ્લિમોને કોઈ ગણકારતું નથી.
ગુજરાતની ચૂંટણીમાં મુસ્લિમો ક્યાં તેવો સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, જો બંને પક્ષમાંથી જે પક્ષ અમારી માગ સ્વિકારશે તેને સમર્થન કરીશું અને જો એક પણ પક્ષ દ્વારા અમારી માંગ પ્રમાણે ટિકિટ ફાળવવામાં નહી આવે તો ગુજરાત વિધાનસભા-૨૦૧૭ની ચૂંટણીમાં રાષ્ટ્રીય ઉલેમા કાઉન્સિલ ચૂંટણી જંગમાં ઝંપલાવશે.
આમિર રશદીને ભાજપના એજન્ટ ગણાવવામાં આવી રહ્યાં છે તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યુ હતુ કે, ૬૦ વર્ષથી અમને કોંગ્રેસના એજન્ટ ગણવામાં આવી રહ્યાં છે તો હવે સમાજના હિત માટે ભાજપના એજન્ટ ગણવામાં આવશે તો પણ અમને કોઈ વાંધો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter