અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણીને લઈને મુસ્લિમોએ પણ ગુજરાતના રાજકારણમાં પોતાનો હિસ્સો માગ્યો છે. ભાજપ તથા કોંગ્રેસ બંનેમાંથી જે પક્ષ ગુજરાતમાં મુસ્લિમોને ૧૮ બેઠકો ફાળવશે તે પક્ષને મુસ્લિમો સમર્થન આપશે તેવું રાષ્ટ્રીય ઉલેમા કાઉન્સિલના પ્રમુખ મૌલાના આમિર રશાદી મદનીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ માત્ર ત્રણ જણનું નામ લેવાઈ રહ્યું છે. જેમાં હાર્દિક પટેલ જે પાટીદારોની વાત કરે છે, જિજ્ઞેશ મેવાણી દલિતોની વાત કરે છે તથા અલ્પેશ ઠાકોર ઓબીસીની વાત કરે છે, પરંતુ મુસ્લિમોને કોઈ ગણકારતું નથી.
રાજ્યની ચૂંટણીમાં મુસ્લિમો ક્યાં તેવો સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, જો બંને પક્ષમાંથી જે પક્ષ અમારી માગ સ્વિકારશે તેને સમર્થન કરીશું અને જો એક પણ પક્ષ દ્વારા અમારી માંગ પ્રમાણે ટિકિટ ફાળવવામાં નહી આવે તો ગુજરાત વિધાનસભા-૨૦૧૭ની ચૂંટણીમાં રાષ્ટ્રીય ઉલેમા કાઉન્સિલ ચૂંટણી જંગમાં ઝંપલાવશે. તેમને ભાજપના એજન્ટ ગણાવાઇ રહ્યા છે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ૬૦ વર્ષથી અમને કોંગ્રેસના એજન્ટ ગણાવાય છે તો હવે સમાજના હિત માટે ભાજપના એજન્ટ ગણાવાશે તો પણ અમને કોઈ વાંધો નથી.

