સુરતઃ રાજદ્રોહના કેસમાં લાજપોર જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલનના કન્વિનર હાર્દિક પટેલના ૧૫મી માર્ચે સુરત સેશન્સ કોર્ટ દ્વારા જામીન નામંજૂર થયા હતા. હાર્દિક પટેલે સુરતની કોર્ટમાં જામીન અરજી કરી હતી. આ અરજીની સુનાવણી પ્રિન્સિપાલ સેશન્સ જજ ગીતા ગોપીએ હાથ ધરી હતી. ૧૪મીએ સરકાર પક્ષ અને વકીલ પક્ષે દલીલો રજૂ કરી જરૂરી સોંગદનામા કોર્ટમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ ૧૫મીએ ચુકાદો અપાયો હતો.
કોર્ટે જણાવ્યું હતું કે, હાર્દિક જેલમાં ભલે હોય, પણ બહાર તેના સમર્થકો અને સાથીદારો દ્વારા તોફાનો થાય છે તે સમાજ માટે હિતકારી નથી. તેમજ હાર્દિકને કસ્ટડીમાં લેવાયો ત્યારથી જેલમાં પણ હાર્દિકની વર્તણૂક સારી નથી. જેના લીધે તેના જામીન નામંજૂર કરાયા છે.
સુરત સેશન્સ કોર્ટે હાર્દિક પટેલની જામીન અરજી એમ કહીને નામંજૂર કરી હતી કે રાષ્ટ્રદોહનો આરોપ એક ગંભીર ગુનો છે. અગાઉ અમદાવાદમાં નોંધાયેલા રાજદ્રોહના કેસમાં પણ સેશન્સ કોર્ટે ૯મી માર્ચે હાર્દિકની કાયમી જામીન અરજી ફગાવી દીધી હતી. હાર્દિકે જોકે આ ચુકાદા સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે.
રાજદ્રોહ મામલે હાર્દિક પટેલની જામીન અરજી માટે ગુજરાત સરકાર તરફથી જે રજૂઆત થઈ હતી તેમાં જણાવાયું હતું કે, હાર્દિકને જામીન ન મળવા જોઈએ. તેમાં એવો ઉલ્લેખ હતો કે, ૨૫મી ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ પાટીદાર સમાજની રેલી બાદ જે રીતે રાજ્યમાં રમખાણો ફાટી નીકળ્યા હતા તેનાથી અરાજકતા ફેલાઈ હતી. જો હાર્દિક અને તેના સાથીઓને જામીન મળે તો રાજ્યમાં ફરીથી આ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.


