અમદાવાદઃ ગોધરાકાંડનો બદલો લેવા યુવકોને જેહાદી તાલીમ લેવા પાકિસ્તાન મોકલવાના ષડયંત્ર કેસમાં ૧૩ વર્ષ બાદ વધુ એક આરોપી હૈદરાબાદથી ઝડપાયો હતો. તેલંગાણા પોલીસે પકડેલા મોહંમદ અલી અફરોઝ મોહંમદ ઇશાક ઇકબાલને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
કરાચીમાં આઇએસઆઇન કેમ્પમાં જેહાદની તાલીમ લઈને પરત આવેલા અમદાવાદના પાંચ યુવકની વર્ષ ૨૦૦૩માં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આ યુવકોની પૂછપરછમાં દાઉદ, છોટા શકીલ જેવા અંધારી આલમના ડોન સહિત હૈદરાબાદથી ઝડપાયેલા મોહંમદ અલીનું પણ નામ ખૂલ્યું હતું. મોહંમદ અલીની ધરપકડ સાથે પકડાયેલા આરોપીઓની સંખ્યા ૬૧ થઈ ગઈ છે. ગોધરાકાંડનો બદલો લેવા માટે મુખ્ય આરોપી ક્લીમ ઉર્ફે મુલ્લા કરીમ, અનસ માચિસવાલા અને સાહિલખાન સિદ્દિકીએ યુવકોને તાલીમ માટે ૨૦ ડિસેમ્બર, ૨૦૦૨ના રોજ કર્ણાવતી એક્સપ્રેસથી વડોદરા અને કોલકાતા મોકલ્યા હતા.

