અમદાવાદઃ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ જૈન બાળદીક્ષામાં લાગુ નહીં પડતો હોવાનું બોગસ જાહેરનામું બહાર પાડવાના કેસમાં કોર્ટમાં હાજર નહીં રહેતા જૈન મુનિ આચાર્ય કીર્તિ યશસૂરિશ્વરજી મહારાજ સામે વોરંટ કાઢવા અરજી કરાઇ છે. મેટ્રો કોર્ટે અરજીને ધ્યાને રાખી ૨૨ જાન્યુઆરીએ રાખી છે.
૨૦૦૯માં બાળદીક્ષા મામલે બોગસ જાહેરનામું બહાર પડાયું હતું. જેમાં બાળક દીક્ષા લેવા માગતું હોય તો તેને ભારતના બંધારણ મુજબ જૈન સમાજને અધિકાર આપ્યો છે. આ અંગે જસ્મીન શાહે મેટ્રો કોર્ટમાં જૈન મુનિ સહિત પાંચ લોકો સામે ક્રિમિનલ કેસ કર્યો હતો. જૈન મુનિએ ૨૦ ઓક્ટોબર ૨૦૧૫માં વોરંટ રદ કરાવવા તેમણે એફિડેવિટ દ્વારા અન્ડર ટેકિંગ આપેલું કે તેઓ ૮ મહિના પછી કોર્ટમાં હાજર થશે. તેઓ કોલકત્તાથી ચાલતા આવી રહ્યા છે. ૨૨૦૦ કિ.મી.નું અંતર કાપતા તેમને ૮ માસનો સમય લાગશે. તેઓ ૮ મહિના બાદ કોર્ટમાં હાજર થશે. ફરિયાદી જસ્મીન શાહે એડવોકેટ નીતિન ગાંધી દ્વારા કોર્ટમાં અરજી કરી છે. કોર્ટમાં હાજર નહીં રહેતા જૈન મુનિ ગુજરાતની હદમાં છે. અને અમદાવાદની નજીક હોવા છતાં તેઓ મુદત વખતે હાજર રહ્યા નથી. આથી તેમની વિરુદ્ધ જામીનલાયક કે બિનજામીન પાત્ર વોરંટ કાઢવું.

