વડોદરાઃ તાજેતરના તારણોમાં એવું જાણવામાં આવ્યું છે કે આપણા દેશમાં જૈન સમાજની વસતીમાં નિરંતર ઘટાડો નોંધાઈ રહ્યો છે. પારસી કોમ પછી જે વસતી ઘટી રહી છે તે જૈન સમાજની છે તેમ ટાંકી જૈનાચાર્ય પૂ. વિમલસાગર સૂરિ મહારાજે ૧૮૦ વર્ષ પછી ભારતમાં જૈનોનું અસ્તિત્વ જ નહીં રહે તેમ જણાવ્યું છે. જૈનાચાર્યે જૈન સમાજને વસતીનું ધોરણ જાળવવા માટે ‘હમ દો-હમારે એક’ની નીતિ છોડવાની અને પોતાની કમીઓ-નબળાઈઓ દૂર કરવાની અપીલ કરી છે.
વડોદરામાં શ્રી અલકાપુરી જૈન સંઘ ખાતે જૈનાચાર્ય પૂ. વિમલસાગર સૂરિ મહારાજે જૈન સમાજની ઘટી રહેલી વસતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જે રીતે પારસી કોમનું ૨૫ વર્ષમાં અસ્તિત્વ જોખમાશે તેવી જ હાલત જૈન સમાજની પણ થશે. જૈનાચાર્યે કહ્યું, ૩૫ વર્ષ પહેલાં દેશમાં ૧ કરોડ જૈન હતા. તે મુજબ જૈન સમાજની વસતી વધવાને બદલે ઘટીને ૬૦ લાખ થઈ ગઈ છે. તીર્થધામો-દેરાસરો વધ્યાં છે. તેમણે ચિંતા સાથે જણાવ્યું હતું કે, વસતી ઘટે છે ત્યારે ગમે તેટલાં દેરાસર હોય, તીર્થ હોય, ધર્મસ્થાનક હોય, સંઘ યાત્રાઓ થાય, ગમે તેટલી દીક્ષાઓ થાય કે ગમે તેટલાં મોટાં આયોજનો કરો તેનો કોઈ જ અર્થ રહેતો નથી.

