જોબ પોર્ટલ પરથી ડેટા ચોરી રૂ. ૧માં કોલ સેન્ટરને વેચવાનું કૌભાંડ પકડાયું

Wednesday 13th June 2018 06:13 EDT
 
 

અમદાવાદઃ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના યુવકોને નોકરીની લાલચ આપી ઠગતું દિલ્હીનું કોલ સેન્ટર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી શાઈન ડોટ કોમ કંપનીના મેનેજર સહિત આઠની દસમીએ ધરપકડ કરી હતી. મેનેજર કોલ સેન્ટરના સંચાલકને રૂ. ૧ના ભાવે નોકરીવાંચ્છુના ડેટા ઈ-મેઈલથી થકી પ્રોવાઈડ કરતો હતો. આ ડેટાના આધારે કોલ સેન્ટર તે યુવકો પાસેથી નાણાં પડાવતાં હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
ઘાટલોડિયામાં રહેતા પિન્કીબેન કનૈયાલાલ મોદીને ૧૫ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ મેકમાય ટ્રિપમાં નોકરી અપાવવા માટે ફોન આવ્યો હતો. ત્યાર બાદ પ્રોસિજરની ફી પેટે એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડમાંથી ઓટીપી નંબર મેળવી લઈ સવા લાખ ઉપાડી લીધા હતા. પોલીસે તપાસ કરતા ફોન નોઇડામાં ચાલતા આ ગેરકાયદે કોલ સેન્ટર પર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ પાડી રૂ. ૧.૬૭ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.
કોલ સેન્ટર શશી શ્રીરામ મિશ્રા, કૈલાશચંદ્ર ઠાકુર અને કુલદીપ સૌધન આરામસિંઘ સંયુક્ત ભાગીદારીમાં એક વર્ષથી કોલ સેન્ટર ચલાવતા હતા. અત્યાર સુધીમાં તેમણે ગુજરાતના ૧૫ લોકોનું ઠગ્યા હોવાનું બહાર આવ્યું છે. જેને પગલે શશી શ્રીરામ મિશ્રા (મુખ્ય સંચાલક), કૈલાશચંદ્ર રામચંદ્ર ઠાકુર, કુલદીપ સૌધન આરામસિંઓઘ, રતનકુમાર મિશ્રા, રામદીનસિંઘ યાદવ, વિનયકુમાર ઝા, પવનકુમાર શર્મા અને સાઇન ડોટકોમના રિલેશન મેનેજર પ્રકાશ ભટ્ટની ધરપકડ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter