ઝવેરાત-રોકડ ઠેકાણે પાડવા NRIઓનું અમદાવાદમાં ઉતરાણઃ એરપોર્ટ ભરચક

Friday 18th November 2016 11:12 EST
 
 

અમદાવાદઃ દેશના ઘણા બ્લેક મની હોલ્ડરોએ પોતાનું કાળું નાણું, જ્વેલરી અને દસ્તાવેજો બેન્કોના લોકરોમાં મૂકી દીધા છે. જેની વિગતો મેળવી રહેલા આયકર વિભાગે NRIના બેન્ક એકાઉન્ટ અને લોકરોની વિગતો પણ એકત્રિત કરવાની શરૂઆત કરી દીધી છે. તાજેતરમાં નવરાત્રિ અને દિવાળી કરીને પરત ગયેલા NRI લોકરોમાં પડેલા કરોડો રૂપિયા અને દાગીના સગેવગે કરવા માટે વતનભણી દોટ લગાવી રહ્યા છે. જેને પગલે અમદાવાદ આવતી તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટો ફુલ આવી રહી છે અને એરપોર્ટ પર રાત્રે NRIની ભારે ભીડ જોવા મળી રહી છે. ધસારો વધતાં વિમાનોને વન-વે ભાડા પણ લાખ રૂપિયા સુધી પહોંચી ગયા છે.

સામાન્ય રીતે NRI નવરાત્રિના સમયે વતનમાં આવતા હોય છે. નવરાત્રિ અને દિવાળીમાં સ્વજનોને મળીને, સામાજિક કામગીરી પૂર્ણ કરવાની સાથે તેઓ વતનમાં પોતાના રૂપિયાનું રોકાણ કરીને પરત જતા હોય છે. લગ્નના બહાને વિદેશમાં લઇ આવતા ઘરેણાં પણ તેઓ વતનની બેન્કોના લોકરોમાં સલામત રીતે મૂકીને પરત જતા હોય છે.

તાજેતરમાં દિવાળી કરીને આવા NRI પરિવારોએ અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને અખાતી દેશોની વાટ પકડી લીધી હતી. હજુ તેઓ પોત પોતાના કામધંધે લાગી ગયા હતા ત્યારે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા ૫૦૦-૧૦૦૦ની નોટો બંધ કરવાની જાહેરાત કરતાં NRI ચિંતિત બની ગયા છે. હવે NRI પોતાના બે હિસાબી કરોડો રૂપિયા પોતાના લોકરમાં મુકીને ગયા છે તેમની ચિંતા વધી ગઇ છે. જેને પગલે તેઓ આ રૂપિયા સગે વગે કરવા માટે પરત આવી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ આયકર વિભાગ દ્વારા તમામ બેન્કો પાસેથી તેમના ગ્રાહકોના લોકરોની વિગતો અને NRI કસ્ટમરોના લોકરોની વિગતો મંગાવી છે. જેમના લોકરોમાંથી કાળું નાણું કે લાખો-કરોડોના દાગીના કે સોનું મળશે તેમને તેની સ્પષ્ટતા કરવા માટે ચોક્કસ નોટિસ ફટકારશે.

રૂ. ૫૦૦-૧૦૦૦ની નોટોથી વિદેશી ટૂર કરનારાને જવાબ આપવા પડશે

રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બંધ થઇ જતાં ઘણા લોકોએ પોતાના પાસેના કાળા નાણાંનો નિકાલ કરવા માટે વિદેશ ટૂર બુક કરાવી પરિવાર કે મિત્રો સાથે વિદેશનો પ્રવાસ કરી દીધો હતો. જેને પગલે આવા લોકોની વિગતો મેળવવા માટે આયકર વિભાગે તમામ એરલાઇન્સને તા. ૮ પછીથી વિદેશ ફરવા ગયેલા કે વિદેશ ટૂર માટે રોકડ કે ચેકથી બુકિંગ કરાવનારા લોકોની વિગતો માંગી છે. જે વિગતોને આધારે આવા લોકોના ઇનકમટેક્સ રિટર્ન ચેક કરાશે અને જો તેમણે કાળું નાણું વિદેશની ટૂરમાં વાપર્યું હશે તો તેની પણ આયકર વિભાગ સમક્ષ સ્પષ્ટતા કરવી પડશે. સ્પષ્ટતા નહીં થાય તો ટેક્સ ભરવાની તૈયારી રાખવી પડશે તેમ આયકર વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter