ઝાયડસ કેડિલા ઉત્પાદિત દવા કોરોનાના મારણ માટે કારગત નિવડે તેવી આશા

Tuesday 24th March 2020 08:07 EDT
 

અમદાવાદઃ ગુજરાતની પ્રતિષ્ઠિત ઝાયડસ કેડિલા ફાર્માસ્યુટિકલ દ્વારા ઉત્પાદિત હાઇડ્રોક્સી ક્લોરોક્વિન સલ્ફેટનું કન્ટેન્ટ ધરાવતી દવા કોરોનાના દર્દીઓ માટે ફ્રાન્સમાં ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન અસરકારક સાબિત થતાં હવે અમેરિકાએ મંગળવારથી પોતાના દર્દીઓ માટે ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ૨૧મી માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓનાં માલિકો સાથે જો કોરોનાનો વ્યાપ વકરે તો સંભવિત પરિસ્થિતિને નિવારવા શું પગલાં લેવા જોઇએ? તથા ફાર્મા કંપનીઓ કેવી રીતે મદદરૂપ થઇ શકે તે માટે વીડિયો કોન્ફરન્સિંગ કરી હતી.
દરમિયાન, ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજભાઇ પટેલે કહ્યું હતું કે, ફ્રાન્સમાં એક દવા અસરકારક પુરવાર થઇ હોવાના ઉત્સાહજનક પરિણામો પ્રાપ્ત થયા છે. જેના પગલે ફ્રાન્સ તથા સાઉદી અરેબિયાએ જરૂર પડ્યે આ દવા આયાત કરવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે વડા પ્રધાનને આ સંદર્ભમાં ખાતરી આપી હતી કે, જો ફ્રાન્સ અને અમેરિકામાં આ ટ્રાયલ સફળ થશે અને ત્યાંની ડ્રગ ઓથોરિટીઝ આ દવાને કોરોના વાઈરસના દર્દીઓ (કોવિડ ૧૯) માટે પ્રિસ્ક્રાઇબ કરવાનું ઠરાવશે તો ભારત સરકારને આ દવા કિફાયતી કિંમતે આપવાની પ્રમાણિક જવાબદારી માનવતાની દૃષ્ટીએ અમારી કંપની લેશે.
પંકજભાઇએ કહ્યું હતું કે, અત્યારે આ દવા ટ્રાયલ સ્ટેજ ઉપર છે. એટલે વધુ કોઇ ટિપ્પણી કરવી ઉચિત નથી, પરંતુ ભારતમાં ઝાયડસ કેડિલા આ દવાના સૌથી મોટા મેન્યુફેક્ચરર છે અને વર્ષોથી અમે આ દવા બનાવીએ છીએ. જો દવા યોગ્ય ગણાશે તો ઝાયડસ ચોક્કસ દવા દર્દીઓ સુધી પહોંચાડવા પ્રતિબદ્ધ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter