ઝાયડસની રસી ઝાયકોવી-ડી મે-જૂનમાં આવી શકે છેઃ પંકજ પટેલ

Wednesday 14th April 2021 04:57 EDT
 
 

અમદાવાદ: હાલમાં ચાલી રહેલી કોરોનાની ખાનાખરાબી વચ્ચે એક રાહતના સમાચાર ઝાયડસ કંપની તરફથી મળી રહ્યાં છે. ઝાયડસ કંપનીએ વિકસાવેલી કોરોનાની ઝાયકોવી-ડી નામની રસી આગામી મે માસના અંતમાં કે જૂન માસમાં આવી શકે છે તેમ ઝાયડસ ગ્રૂપના ચેરમેન પંકજ પટેલે જણાવ્યું હતું. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં કોરોનાની બીજી લહેરે તબાહીનું તાંડવ મચાવ્યું છે. આ સ્થિતિમાં ગુજરાતના જાણીતા ફાર્મા ગ્રૂપ ઝાયડસ કંપની તરફથી કોરોનાની રસીને લઈને સારા સંકેત મળ્યાં છે. ઝાયડસ દ્વારા વિકસાવાયેલી ઝાયકોવી-ડી નામની રસીના ક્લિનિકલ ટ્રાયલના ત્રણેય તબક્કા પૂર્ણ થઈ ચુક્યાં છે. ત્રીજા તબક્કાના ક્લિનિકલ એપ્રુવલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે મળ્યે ઝાયકોવી-ડી રસી બજારમાં આવી શકે છે. આ વાતને પૃષ્ટિ આપતાં ઝાયડસના ચેરમેન પંકજ પટેલે જણાવ્યું હતું કે ફેઝ-૩ના ક્લિનિકલ રિપોર્ટને પરમિશન મળી જાય તેની હાલ રાહ જોવાઈ રહી છે. તે રિપોર્ટ આપવાની ઝડપ સરકાર પર આધારિત છે. જો તે મળી જાય તો મે મહિનાના અંતમાં કે જૂનના પહેલાં સપ્તાહમાં રસી બજારમાં આવી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે પ્રારંભિક તબક્કામાં પ્રતિ માસ એક કરોડ ડોઝ બનાવી શકવાની ક્ષમતાથી કામ કરાશે. હાલમાં જે બે રસી છે તે ઈન્ટ્રા મસ્ક્યુલર રસી છે. જ્યારે ઝાયડસની ઝાયકોવી-ડી રસી ડીએનએ બેઝ વેક્સિન છે. જેને ઈન્ટ્રા ડર્મલ વેક્સિન પણ કહેવાય છે.આ રસી નીડલલેસ છે. એટલે કે ઈન્જેક્શનથી નથી આપવાની હોતી. હાલમાં બંને રસીના બે ડોઝ લેવાના હોય છે. જ્યારે ઝાયડસની ઝાયકોવી-ડી રસીના ત્રણ ડોઝ લેવાના રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter