અમદાવાદ: આંતરરાષ્ટ્રીય ટેક્સ નિષ્ણાત અને ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશનના મુકેશ પટેલને જાપાનના સમ્રાટ તરફથી એનાયત થતા ‘ઓર્ડર ઓફ ધી રાઈઝિંગ સન, ગોલ્ડ રેઝ વિથ રોઝેટ’ના નાગરિક સન્માન માટે પસંદ કરાયા છે. જાપાન અને ભારત વચ્ચે એકેડેમિક, વ્યાપાર અને સાંસ્કૃતિક ક્ષેત્રે મૈત્રીપૂર્ણ સંબંધો તથા પરસ્પર સૌહાર્દ સુદૃઢ બનાવવામાં મુકેશ પટેલે આપેલા યોગદાન બદલ જાપાનનું આ અત્યંત પ્રતિષ્ઠિત અને ગૌરવપૂર્ણ નાગરિક સન્માન અપાયું છે.
૨૦૧૭ના વર્ષ માટેના સ્પ્રિંગ ઈમ્પિરિયલ ડેકોરેશન્સ પ્રાપ્ત કરનારા વિદેશી મહાનુભાવોના જે ૧૦૫ નામ જાહેર કર્યાં છે, તેમાં મુકેશ પટેલના નામનો સમાવેશ થતો હોવાની જાપાન સરકારે તેમનાં નામની જાહેરાત કરી છે. જાપાનના વડા પ્રધાનની ઓફિસમાંના ડેકોરેશન બ્યુરો દ્વારા આ એવોર્ડ એનાયત કરવાની કામગીરી થાય છે. ઈન્ડો-જાપાન સ્ટુડન્ટ એક્સ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ ૧૯૭૨માં જાપાનથી સ્વદેશ પાછા ફર્યા બાદ મુકેશ પટેલે ૧૯૭૫માં ઈન્ડો જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશનની સ્થાપના કરી હતી. જેના તેઓ પ્રથમ માનદ્ મંત્રી પણ રહ્યા. ૨૦૦૫થી તેઓ આ સંસ્થાના પ્રેસિડેન્ટ છે.


