સુરતઃ સુરતના ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ સ્ટાર હરમિત દેસાઇએ વર્લ્ડ રેન્કિંગમાં ૧૦૦મો ક્રમ મેળવીને ગુજરાતના પ્રથમ ખેલાડી તરીકે પોતાનું નામ અંકિત કરી દીધું છે. વર્લ્ડ રેન્કિંગ જ્યારે જાહેર થયું ત્યારે હરમિતનો ૧૦૦મો ક્રમાંક હતો. અત્યાર સુધીના ઇતિહાસમાં ગુજરાતનો કોઇ પણ ટેબલ ટેનિસ ખેલાડી ૧૦૦ની અંદરનો રેન્ક પ્રાપ્ત કરી શક્યો નથી.
છેલ્લાં ઘણા સમયથી હરમિત અંડર-૧૦૦ રેન્કિંગમાં આવવા મહેનત કરી રહ્યો હતો. ગયા મહિને હરમિતનો વર્લ્ડ રેન્કિંગ ૧૦૨નો હતો.
તાજેતરમાં જ તેણે થાઇલેન્ડ ઓપનમાં સારો દેખાવ કરતા તેનો રેન્ક સુધર્યો હતો. આ સાથે જ હરમિત ચોથો ભારતીય ખેલાડી છે જેણે આ મેજિકલ ક્રમાંક મેળવ્યો હોય. હાલ હરમિત ચાઇનામાં રમાઇ રહેલી એશિયન ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.


