અમદાવાદ: સોમવારથી ટોલ પ્લાઝા પર તમામ વાહનોમાં ફરજિયાત ફાસ્ટેગનો અમલ થશે. જો વાહનો પર ફાસ્ટેગ નહીં હોય તો બમણો ટોલચાર્જ ચૂકવવો પડશે. વાહનમાલિકો ઓનલાઇન-ઓફલાઇન ફાસ્ટેગ ખરીદી શકે છે. અમદાવાદ સહિત રાજ્યના ૬૭ ટકા વાહનોમાં ફાસ્ટેગ હોવાનો દાવો અધિકારીઓએ કર્યો છે. સમગ્ર દેશના ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ સિસ્ટમ અમલી થતાં રોકડ વ્યવહાર કરવો પડશે નહીં, ઉપરાંત સમય પણ બચશે. સરકારે ૧૫ ફેબ્રુઆરી સુધી મુદત વધારી હતી. ત્યારબાદ ટોલ પ્લાઝા પર તમામ વાહનો ઉપર ફરજિયાત ફાસ્ટેગ કરવાની જાહેરાત કરી હતી. જેના પગલે સોમવારથી તેનો અમલ શરૂ થઈ જશે તેવું જાહેર કરાયું હતું. ત્યાર સુધી ટોલ પ્લાઝા પર પાંચ કાઉન્ટરમાંથી એક કાઉન્ટર પર રોકડ ટોલ લઈ વાહનોને એન્ટ્રી અપાતી હતી જે સોમવારથી બંધ થઈ જશે.

