ટ્રમ્પની ટીમમાં ભારતીયોનો દબદબોઃ હવે કુશ દેસાઇ ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી

Tuesday 28th January 2025 14:18 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય-અમેરિકન ભૂતપૂર્વ પત્રકાર કુશ દેસાઈને તેમના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ, દેસાઈ રિપબ્લિકન નેશનલ કન્વેન્શન અને રિપબ્લિકન પાર્ટી ઓફ આયોવાના કોમ્યુનિકેશન ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે. જ્યારે ચૂંટણી સમયે, તેમને પેન્સિલવેનિયામાં કોમ્યુનિકેશન ડિરેક્ટરની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે આ રાજ્યમાં ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં ઘણી મદદ કરી હતી. આ માટે તેમને પુરસ્કાર આપવામાં આવ્યો છે એમ કહી શકાય.
ડોનાલ્ડ ટ્રમ્પે આ રાજ્યના તમામ સાત મતવિસ્તારોમાં જ્વલંત વિજય મેળવ્યો હતો. ટ્રમ્પે તેમની ટીમમાં ભારતીય મૂળના ઘણા અન્ય લોકોને પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી છે. ટ્રમ્પે ભારતીય અમેરિકન રિકી ગિલને નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં વરિષ્ઠ નિર્દેશક તરીકે નિયુક્ત કર્યા છે. તેમને દક્ષિણ અને મધ્ય એશિયા સંબંધિત જવાબદારીઓ સોંપવામાં આવી છે.
આ ઉપરાંત, સૌરભ શર્મા કર્મચારી કાર્યાલયનો હવાલો સંભાળશે. રિકી ગિલ આંતરરાષ્ટ્રીય સંબંધોના નિષ્ણાત છે. તેમણે યુરોપિયન ઊર્જા સુરક્ષાના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી. આ ઉપરાંત, તેઓ વિદેશ મંત્રાલયના બ્યુરો ઓફ ઓવરસીઝ બિલ્ડીંગ ઓપરેશન્સમાં સિનિયર કાઉન્સેલર પણ રહી ચૂક્યા છે. સૌરભ શર્મા બેંગલૂરુના રહેવાસી છે જેમણે અમેરિકન મોમેન્ટના પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેઓ બાયોકેમિસ્ટ્રીમાં સ્નાતક છે. તેમના ઉપરાંત, કાશ પટેલને અમેરિકામાં FBI વડા બનાવવામાં આવ્યા છે. જય ભટ્ટાચાર્યને રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter