ડભોડાઃ એક હજાર વર્ષ પૌરાણિક અને ચમત્કારિક ડભોડિયા હનુમાનજી મંદિરે કાળી ચૌદસ નિમિત્તેના બે દિવસીય લોકમેળામાં ભક્તિનું ઘોડાપુર ઉમટયું હતું. ધનતેરસની રાત્રે ૧૨ વાગ્યાની મહાઆરતીમાં તેમજ કાળી ચૌદસે દર્શનાર્થીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. એક અંદાજ પ્રમાણે સાડા ત્રણ લાખથી પણ વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે ૭૫૦૦ લીટર તેલનો અભિષેક કરવામાં આવ્યો હતો.
હનુમાનજી મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી શકરાજી સોલંકીએ જણાવ્યું હતું કે, મંદિર ટ્રસ્ટ દ્વારા ૪૦ હજાર બુંદીના પ્રસાદના પેકેટનું વેચાણ થયું હતું. આ ઉપરાંત એક લાખ સિદ્ધ દોરા તથા માદળિયાનું પણ વેચાણ કરાયું હતું. આ ઉપરાંત એલઇડી સ્ક્રીન પર આરંભિક જીવંત પ્રસારણ કરાયું હતું. આ જીવંત પ્રસારણને વિદેશોમાં પણ હજારો ભક્તોએ નિહાળ્યું હતું. મંદિરમાં રાત્રે ૧૨ વાગે આરતીમાં રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટયા હતા. આ વર્ષે પણ મેળામાં વિશેષ આકર્ષણો ઉભા કરાયા હતા. ગામના સ્વયંસેવક યુવાનો દ્વારા વ્યવસ્થા જાળવવામાં મદદ કરાઈ હતી. ભક્તો દ્વારા મંદિરમાં લાખો રૂપિયાનું દાન કરવામાં આવ્યુ હતું. રાત્રે લોકડાયરાએ પણ રમઝટ બોલાવી હતી.


