ડાંગ જિલ્લા સિવાયનું સમગ્ર રાજ્ય કોરોનાગ્રસ્ત

Wednesday 27th May 2020 05:25 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં હજુય કોરોના પર કાબૂ મેળવી શકાયો નથી. રોજરોજ કેસો જ નહીં, મૃત્યુદર પણ ચિંતાજનક હદે વધી રહ્યો છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કેસો - મૃત્યુદર વધુ છે. અત્યારે એવી પરિસ્થિતી છે કે, માત્ર ડાંગ જિલ્લાને બાદ કરતાં આખુંય ગુજરાત કોરોનાગ્રસ્ત બન્યું છે. તેમાંય કેસો અને મૃત્યુદરની દ્રષ્ટિએ અમદાવાદ રાજ્યમાં મોખરે રહ્યું છે. અહીં મોતનો સિલસીલો યથાવત રહ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૯૧૫ લોકો કોરોનાને લીધે મોતને ભેટયાં છે. ઉંચા મૃત્યુદરમાં જાણે ફરક પડી શક્યો નથી. જે અમદાવાદીઓ માટે પણ એક ચિંતાનો વિષય બન્યો છે. તામિલનાડુમાં કેસોની સંખ્યા વધુ છે પણ મૃત્યુઆંક ઓછો છે. જયારે ગુજરાતમાં કેસો તો વધુ છે સાથે સાથે મૃત્યુઆંક પણ વધુ છે જેના કારણે રાજ્ય આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યાં છે. છેલ્લાં એકાદ સપ્તાહથી ગુજરાતમાં રોજ ૨૫૦થી વધુ કેસો નોંધાઇ રહ્યાં છે જયારે ૨૦થી વધુના મોત થઇ રહ્યાં છે. ઉંચા મૃત્યુદરને કારણે ગુજરાત હાઇ કોર્ટે પણ વિજય રુપાણી સરકારને ફટકાર લગાવી છે. રાજ્ય આરોગ્ય વિભાગના અથાગ પ્રયાસો છતાંય અમદાવાદનો મૃત્યુદર ઓછો થયો નથી.

અમદાવાદમાં આંકડો ૧૦ હજારને પાર

અમદાવાદમાં શનિવારે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૦ હજારનો આંકડો વટાવી ગઇ હતી. આ આંકડો એટલા માટે પણ ચોંકાવનારો છે કારણ કે દુનિયાના ૨૧૫ દેશોની યાદીમાં ૪૮ દેશ એવા છે જ્યાં અમદાવાદ કરતા વધારે કેસ છે. અહીં મોતના આંકડા પણ સતત વધી રહ્યા છે. શનિવારે રાજ્યમાં ૩૯૬ નવા કેસ નોંધાયા હતા તથા વધુ ૨૭ લોકોનું મૃત્યુ થયા હતા. અત્યાર સુધી રાજ્યમાં કુલ ૯૧૫ મોત થઇ ચૂક્યાં છે. રાજ્યના ૮૦ ટકા કેસ અને ૬૮ ટકા મોત માત્ર અમદાવાદમાં નોંધાયા છે. લોકડાઉન-૪માં જે પ્રકારે છૂટછાટો અપાઇ છે એ જોતા આવનારા દિવસોમાં કેસોની સંખ્યાનો મોટા પાયે વધારો થવાની આશંકા સેવાઇ રહી છે.
અમદાવાદ કે જ્યાં સરકારે સૌથી મોટી ૧૨૦૦ કોવિડ હોસ્પિટલ ઉભી કરી છે અને સૌથી મોટી એવી સિવિલ હોસ્પિટલ હોવા સાથે રાજય સરકારનું સંપૂર્ણ સરકારી તંત્ર તથા આરોગ્ય તંત્ર પણ અમદાવાદમાં કામે લાગ્યુ છે ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસ અને મૃત્યુ કાબુમાં નથી આવી રહ્યા છે.

હેલ્થ વોરિયરના મોતનો રાજ્યમાં પ્રથમ કિસ્સો

સિવિલની કોવિડ હોસ્પિટલની ૫૬ વર્ષીય હેડ નર્સનું હોસ્પિટલમાં ૮ દિવસની સારવાર પછી કોરોના વાઈરસના ચેપથી મોત થયું છે. હોસ્પિટલ તંત્ર જયારે હેડ નર્સને બચાવવામાં નિષ્ફળ ગયું છે, ત્યારે દર્દીની સારવાર કેવી થતી હશે તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. હેડ નર્સને કોરોનાની સાથે હાયપરટેન્શન, હૃદયરોગ અને વધુ વજનની જેવી તકલીફો પણ હતી. સમગ્ર ગુજરાતના કોરોના વોરિયર્સ હેલ્થ વર્કરમાં કોરોનાથી મૃત્યુ થયાનો પ્રથમ કેસ હોવાનું હોસ્પિટલ તંત્રનું કહેવું છે.
સિવિલના નર્સિંગ સુપરિટેન્ડેન્ટ બાબુભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે, કોરોનાની સારવાર દરમિયાન કોઇ હેલ્થ વર્કરનું મૃત્યુ થયાનો અમદાવાદની સાથે રાજ્યનો પ્રથમ કેસ હોવાની શક્યતા છે. ૫૬ વર્ષીય કેથરીનબેન અનુપમભાઇ ક્રિશ્ચિયને ૩૨ વર્ષની કારકિર્દીમાં અમદાવાદ અને જામનગરમાં ફરજ બજાવી હતી અને હાલમાં સિવિલના ગાયનેક વિભાગના જી-૩ વોર્ડના હેડનર્સ હતા. તેમની દેખરેખ હેઠળ કોવિડ હોસ્પિટલનો એ-૨ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો.

દર્દીઓ સાથે પશુ જેવું વર્તન ન થાયઃ હાઇ કોર્ટ

કોરોના પોઝિટીવ દર્દીઓની સારવાર અંગે અખબારોમાં પ્રકાશિત અહેવાલોની સુઓમોટો નોંધ લેતા હાઇ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે. હાઇ કોર્ટે આકરી ટિપ્પણી કરતા જણાવ્યું છે કે કોવિડ-૧૯ દર્દીઓ સાથે પશુઓ જેવું વર્તન ન થવું જોઈએ. સિવિલ હોસ્પિટલમાં સિનિયર તબીબો દર્દીઓને જોવા પણ આવતા નથી. હાઇ કોર્ટે ઉમેર્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ આવે છે તેમની સાથે માનવતાભર્યુ વર્તન થવું જોઇએ. સમાચારપત્રોના અહેવાલોના આધારે જસ્ટીસ જે. બી. પારડીવાલાએ સુઓમોટો જાહેર હીતની અરજી પર સુનાવણી કરી હતી. હાઇ કોર્ટે સરકારનો ઉધડો લીધો હતો. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની દયાજનક સ્થિતિ અંગે સમાચાર આવે છે આ સ્થિતિ સુધારવા સરકાર કેમ કોઇ પગલા લેતી નથી? દર્દીઓની સારવાર યોગ્ય રીતે થતી નથી. સરકાર તરફથી એડવોકેટ જનરલે કોર્ટ સમક્ષ ખાતરી આપી હતી કે, એક સપ્તાહમાં આ સમસ્યાનો ઉકેલ અમે લાવીશું.

૫૫ દિવસથી એક રજા લીધી નથીઃ નાયબ મુખ્ય પ્રધાન

કોરોના સંક્રમણના નિયંત્રણ માટે રાજ્ય સરકારની કામગીરીને લઇને હાઇ કોર્ટ દ્વારા કરાયેલી ટિપ્પણી, સૂચનોના પગલે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ કહ્યું હતું કે હાઇ કોર્ટ દ્વારા જે સૂચનો, પ્રશ્નો કરાયા છે. તેનો અભ્યાસ કરીને રાજ્ય સરકાર અઠવાડિયામાં તેનો જવાબ રજૂ કરશે. પટેલે જણાવ્યું હતું કે, મેં છેલ્લા બે મહિનામાં સિવિલ હોસ્પિટલની ૫ વખત મુલાકાત લીધી છે. જેમાં ત્રણ વખત સિવિલના અને ખાનગી ડોક્ટરો સાથે બેઠક પણ યોજી છે. છેલ્લા બે મહિનામાં ૫૫ દિવસથી સતત મુખ્ય પ્રધાનના અધ્યક્ષસ્થાને કોર ગ્રૂપની મીટિંગ યોજાય છે એક પણ દિવસની રજા લીધી નથી. માત્ર ૧૦થી ૧૨ દિવસના ટૂંકા ગાળામાં જ રાજ્યના ૨૬ જિલ્લામાં ૩૧ ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં આશરે ૨૧ હજાર જેટલા બેડ કોવિડ-૧૯ માટે અનામત રખાયા છે. હાઇ કોર્ટે ખાનગી હોસ્પિટલોનો સહયોગ મેળવાનું અવલોકન કર્યું છે પરંતુ સરકારે શરૂઆતથી જ આ કામગીરી પૂરી કરી લીધી છે. ખાનગી હોસ્પિટલમાં ૫૦ ટકા બેડ સરકારને ફાળવવા ફરજિયાત કરીને રિઝર્વ કર્યા છે.

૩ લાખ ઔદ્યોગિક એકમો શરૂ થયા

લોકડાઉનમાં ચોથા તબક્કામાં વેપાર-ધંધા, વ્યવસ્થાની મહત્તમ છૂટછાટો સરકાર દ્વારા અપાતાં જનજીવન થાળે પડવાની શરૂઆત થઇ છે. કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં વેપાર-ઉદ્યોગ, ખાનગી ઓફિસો, ધંધા-રોજગાર ફરી શરૂ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૩ લાખ જેટલા ઔદ્યોગિક એકમોએ ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરી દીધી છે જેના પગલે ૨૫ લાખ જેટલા શ્રમિકો, કામદારો, કર્મચારીઓને રોજગારી મળી હોવાનું મુખ્ય પ્રધાનના સચિવ અશ્વિનીકુમાર જણાવ્યું હતું.

૨૧ લાખ પરપ્રાંતીય શ્રમિકોએ ગુજરાત છોડ્યું

કોરોના વાઈરસના સંક્રમણને પગલે દેશભરમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા લોકડાઉનને કારણે કામધંધો બંધ થઇ જતાં દેશભરના શ્રમિકો પોતાના વતન જવા માટે નીકળી પડ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લા વહીવટી તંત્રો સાથે સંકલનથી મેળવેલી સંખ્યા પ્રમાણે ગુજરાતમાં ૨૦.૯૫ લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો છે. તંત્ર પહોંચી શક્યું ન હોય અથવા જેઓ હજુ પણ ગુજરાતમાં રહેવા માગતા હોય તેવા અન્ય ૫થી ૭ લાખ જેટલા શ્રમિકો હોવાનો અંદાજના અહેવાલ ૧૯મી મેએ હતાં. શ્રમિકો વતન પાછા રવાના થઈ રહ્યા હોવાથી આગામી દિવસોમાં ઉદ્યોગોની સ્થિતિ કફોડી બનવાનું અનુમાન પણ છે. જોકે વતન પરત જઇ રહેલા કેટલાક શ્રમિકોએ એવી ઈચ્છા દર્શાવી છે કે ગુજરાતે અમને બધું જ આપ્યું છે. અમે પાછા આવીશું.

૬૦ ટકા બસ ટિકિટનું મોબાઈલથી બુકીંગ

ગુજરાતમાં કન્ટેનમેન્ટ ઝોન અને અમદાવાદ સિવાયના વિસ્તારમાં એસટી બસો ૨૧ મેથી દોડતી થઇ ગઇ છે. કોરોનાના ભય વચ્ચે ચાર દિવસમાં ૧૪,૬૨૬ મુસાફરોએ એસટી બસની મુસાફરીનો લાભ લીધો છે. જેમાં નોંધપાત્ર બાબત એ છે કે કુલ બુકિંગના ૬૦ ટકા બુકિંગ લોકોએ મોબાઇલના માધ્યમથી કર્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ મોબાઇલથી ટિકિટ બુક કરાવવાની ટકાવારી અગાઉ ફક્ત ૧૦થી ૧૫ ટકા જ હતી, જે હવે કોરોના વાઇરસના સંક્રમણના ભયના લીધે વધીને ૬૦ ટકા સુધી પહોંચી જવા પામી છે, જે એક સારી બાબત છે. લોકો માટે પણ આ પદ્ધતિ સરળ રહેશે. હાલમાં રાજ્યમાં ૫,૫૦૦ બસો સવારના સાતથી સાંજના સાત વાગ્યા સુધી સંચાલનમાં મૂકાઇ છે. રાત્રી કરફ્યુ હોવાથી બસો રાત્રે દોડાવાઇ રહી નથી.

ડિસ્ચાર્જ પહેલા ટેસ્ટ કેમ નહીં? કોર્ટમાં અરજી

કોરોના મુદ્દે હાઇ કોર્ટમાં વિવિધ અરજી થઈ છે. રાજેન્દ્રસિંહ શેખાવત તરફથી એડવોકેટ ખેમચંદ કોષ્ઠીએ કરેલી અરજીમાં એવી રજુઆત કરવામાં આવી છે કે, દર્દીઓને ડિસ્ચાર્જ કરતા પહેલા ટેસ્ટ કરવામાં આવતા નથી. જ્યાં સુધી ટેસ્ટ નેગેટીવ ન આવે ત્યાં સુધી તેમને હોસ્પિટલમાંથી રજા આપી શકાય નહી. સરકારે ડિસ્ચાર્જ અંગે નીતિ ઘડવી જોઈએ.

જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરીના ધર્મપત્નીનું નિધન

જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરીના ધર્મપત્ની પારૂબેન ચૌધરીનું મંગળવાર ૨૬ મેના રોજ રોજ અવસાન થયેલ છે. પારૂબહેન ચૌધરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ સારવાર અર્થે અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મંગળવારે સવારે જ તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. સાહિત્યકાર રઘુવીરભાઇ તેમના દીકરા સંજયભાઇના ઘરે જ હોમ ક્વોરન્ટાઇન થયા હતા. રઘુવીરભાઈ દરેક સર્જન પહેલા પારૂબેનને સંભળાવતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter