ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રશિયા પ્રવાસના બીજા દિવસે ઇન્ડિયા રશિયા કો-ઓપરેશન ઇન રશિયન ફાર ઇસ્ટ સેમિનાર દરમિયાન રશિયાના યાકુટિયા રિજિયનના ગવર્નર સાથે ગુજરાત સરકારે એમઓયુ કર્યા હતા. આ એમઓયુ હેઠળ રશિયાના આ પ્રાંત અને ગુજરાત વચ્ચે રફ ડાયમન્ડ ક્ષેત્રના વિકાસ માટે કામગીરી થશે.
સેમિનારમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રશિયા વિશ્વના સૌથી મોટા હીરા ભંડાર પૈકીનું એક છે, રશિયામાં વિશ્વના ત્રીજા ભાગના રફ ડાયમન્ડ ઉપલબ્ધ છે. બીજી તરફ ગુજરાતમાં ૮૦ ટકા ડાયમન્ડ પ્રોસેસિંગ થાય છે, સુરતમાં વિશ્વની સૌથી મોટી ડાયમન્ડ કટિંગ એન્ડ પોલિશિંગ ઇન્ડસ્ટ્રી છે. ડાયમન્ડ ક્ષેત્રે રશિયા અને ગુજરાતની આ ભાગીદારી મહત્ત્વની બની રહેશે.
રૂપાણીએ કહ્યું કે ભારત અને રશિયા વચ્ચે બહુ લાંબા સમયથી ગાઢ મિત્રતા રહી છે. વાઇબ્રન્ટ સમિટમાં રશિયાનું ડેલિગેશન ઉપસ્થિત રહ્યું હતું. રશિયાના આ રિજિયન સાથે ગુજરાતની ડાયમન્ડ સેક્ટર ઉપરાંત જોઈન્ટ ઇન્વેસ્ટમેન્ટ, પ્રોડકશન, પ્રોસેસિંગ અને સ્કિલ્ડ લેબર ક્ષેત્રમાં પણ ભાગીદારીની તકો છે. તેમણે ગુજરાત અને વાલ્ડી વોસ્તોકમાં એક પ્રોસેસિંગ ફેસેલિટી સ્થાપવાની પણ અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે અદ્યતન ટેક્નોલોજી અને આધુનિક નિર્માણ ક્ષેત્રમાં રશિયાનો અનુભવ ગુજરાતની કંપનીઓ માટે ઉપયોગી નીવડશે.


