અમદાવાદઃ ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ (ગ્રીડ્સ), ગુજરાત સાહિત્ય અકાદમી, એનઆરજી કમિટી અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા એક કાર્યક્રમમાં અમેરિકામાં રહીને ગુજરાતી સાહિત્યમાં સક્રિય પ્રદાન આપી રહેલાં લેખિકા રેખા પટેલનાં ત્રણ પુસ્તકો ‘એકાંતે ઝળક્યું મન’, ‘તડકાનાં ફૂલ’ અને ‘અમેરિકાની ક્ષિતિજે’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાનાં અધ્યક્ષપદે યોજાયેલા કાર્યક્રમમાં રેખા પટેલનાં ગદ્ય અને પદ્ય વિશે ગુજરાત વિદ્યાપીઠનાં અધ્યક્ષા ડો. ઉષા ઉપાધ્યાય અને સરદાર પટેલ યુનિ.નાં ગુજરાતી વિભાગનાં અધ્યાપિકા ડો. સુધા ચૌહાણે અભ્યાસપૂર્ણ વક્તવ્યો આપ્યા હતાં.
આ પ્રસંગે ડાયસ્પોરા માઈગ્રેશન એન્ડ રિસર્ચ સેન્ટરનાં નિયામક ડો. નીરજા ગુપ્તા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં પ્રમુખ શૈલેષભાઈ પટવારી, એનઆરજી કમિટીનાં ચેરમેન તથા આફ્રિકાનાં પૂર્વ રાજદૂત કે. એચ. પટેલ, ગુજરાત સમાચાર-એશિયન વોઇસના પ્રકાશક-તંત્રી સી. બી. પટેલ, ગુજરાત ટાઇમ્સના બ્યૂરોચીફ દિગંત સોમપુરા સહિતના અગ્રણીઓએ પ્રાસંગિક સંબોધન કર્યા હતા.


