ડિંગુચાના પટેલ પરિવારને મોતના મુખમાં ધકેલનાર હર્ષદ પટેલને 10 વર્ષની કેદ

Wednesday 04th June 2025 06:01 EDT
 
 

વોશિંગ્ટન: કેનેડિયન સરહદેથી અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા જતાં ઉત્તર ગુજરાતમાં આવેલા ડિંગુચા ગામનો 4 સભ્યોનો પટેલ પરિવાર મૃત્યુ પામ્યો તે કેસમાં મુખ્ય આરોપીને દસ વર્સની સજા ફટકારાઇ છે. મિનેસોટાની કોર્ટે ડર્ટી હેરી તરીકે જાણીતા હર્ષદ પટેલને આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી બદલ દસ વર્ષની સજા ફટકારી છે. સજા પૂરી થયા પછી તેને ભારત ડિપોર્ટ કરી દેવાશે.
જોકે ફેડરલ પ્રોસીક્યુટરોએ તો હર્ષદ પટેલ માટે 20 વર્ષની અને ડ્રાઇવર માટે 11 વર્ષની સજાની ભલામણ કરી હતી. આ ડ્રાઇવર સ્ટીન શેન્ડ કાતિલ ઠંડીનો ભોગ બનેલા મૃતકોને કેનેડાની સરહદ વટાવીને અમેરિકામાં પ્રવેશ્યા પછી વાનમાં લઈ જવાનો હતો. શેન્ડને છ વર્ષ - છ મહિનાની સજા કરાઇ છે. બંનેને યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હાજર કરાયા હતા. જોકે બંને આરોપીઓએ તેમનો ગુનો તો કબૂલ્યો જ ન હતો. બંનેને ગયા નવેમ્બરમાં ચાર કાઉન્ટ માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
પ્રોસીક્યુટરોએ જણાવ્યું હતું કે ડર્ટી હેરીના નામથી જાણીતો હર્ષદ પટેલ ભારતથી સ્ટુડન્ટ વિઝા પર લોકોને કેનેડા લાવતો હતો અને પછી ત્યાંથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવતા હતા. આમ તેઓ ભારતીયોને કેનેડા લાવે ત્યાં સુધીની બધી જ પ્રક્રિયા કાયદેસરની રહેતી હતી. કેનેડાથી અમેરિકા જ ગેરકાયદે ઘૂસણખોરી કરવાતી હતી. તેમણે જણાવ્યું હતું કે હર્ષદ પટેલના માનવ તસ્કરીના આ કાવતરાનો ભોગ ગુજરાતના ડિંગુચાના 39 વર્ષીય જગદીશ પટેલ, 35 વર્ષીય પત્ની વૈશાલીબેન પટેલ, 11 વર્ષની પુત્રી વિહંગી અને ત્રણ વર્ષનો પુત્ર ધાર્મિક બન્યા હતા. તેમના ઠંડીથી ઠૂંઠવાઈને મોત થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter