ડિજિટલ કરન્સીના પ્રચારનું સુકાન સંભાળોઃ ગુજરાત ભાજપને મોદીનો અનુરોધ

Wednesday 14th December 2016 05:19 EST
 
 

ગાંધીનગરઃ મારા ગયા પછી ટીમ ગુજરાતે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે. વિકાસની બાબતમાં કાઠું કાઢ્યું છે. વડા પ્રધાનપદ સંભાળ્યા બાદ પહેલી વાર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમે પહોંચેલા નરેન્દ્ર મોદીએ સરકાર અને સંગઠનની ટીમને અભિનંદન આપતા ‘કામ કરો છો તો તેને ઘુંટતા પણ રહો’ તેવી ટકોર કરીને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે લોકોશિક્ષણ આપવા બહાર નીકળવા પણ સૂચના આપી હતી.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ જિતુભાઇ વાઘાણીથી લઈને પ્રધાનો, જિલ્લાઓના હોદ્દેદારો સમેત ભાજપની પહેલી બીજી કેડરના કાર્યકરોને સંબોધતા મોદીએ કહ્યું કે, ઘણી વાર શું થાય છે કામ કરીએ છીએ તેને ઘૂટતા નથી. જેમ કે પ્રધાનમંત્રી ઉજ્જવલામાં ગરીબ બહેનોને ચૂલામાંથી મુક્તિ આપીને સિલિન્ડર આપવાની યોજનાનું મહત્ત્વ આરોગ્ય, પર્યાવરણ અને જીવનધોરણથી પણ આગળ વિસ્તરેલું છે. જ્યાં ૧૦૦ પરિવારોએ આ યોજનાનો લાભ લીધો હોય તો ૧૦૦નું સંમેલન યોજીને બીજા પણ આવી યોજનાનો લાભ લેતા થાય તેવી માહિતી પહોંચાડવા કાર્યકરોને કામ લાગે.
મોદીએ નોટબંધી, સ્વચ્છતા અભિયાનનો ઉલ્લેખ કરતાં કાર્યકરોને કહ્યું હતું કે, આવનારા સમયમાં ટેકનોલોજી બેઝ્ડ કરન્સી જ ચાલવાની છે. ભાજપના કાર્યકરોએ લોકોની વચ્ચે જઈને તેમને ઇ-વોલેટ, ડિજિટલ કરન્સી માટે પ્રશિક્ષિત કરવા જોઇએ. ગુજરાતને તેના માટે નેતૃત્વ લેવું જોઈએ અને લેશે જ તેવો મને વિશ્વાસ છે.

બેન્કમાં જમા પૈસા ધોળા થશે એ ભ્રમ

બેંકોમાં જમા થનારા પૈસા ધોળા થઈ જશે એવું માનવું એ ભ્રમ છે હું એ બધાને પૂછવાનો છું કે આ પૈસા આવ્યા ક્યાંથી? હિસાબ આપો ચાલો? તેમ કહી નોટીબંધીના નિર્ણયની છણાવટ કરતા કાર્યકરોને સમજાવ્યું કે, દેશના અર્થતંત્ર માટે આ સ્વચ્છતા અભિયાન છે. રિઝર્વ બેંકના સર્વે અનુસાર ૧૦૦૦ની જેટલી નોટ છપાઈને બેંકથી બહાર જતી તેમાંથી બે-તૃતિયાંશ નોટ તો ક્યારેય કોઈના હાથમાં જ જતી નહોતી. સીધા જ બ્લેકમનીમાં! ખાલી એક-તૃતિયાંશ નોટો જ લોકોના હાથમાં ફરતી હતી. લિમિટેડ લોકોના હાથમાં જ બંડલ રહેતા હતા અને તે જ અર્થતંત્ર ચલાવતા. આથી આ નિર્ણય કર્યો હોવાનું વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું.

‘બધા જ આવો દિલ્હી...’

વકતવ્ય શરૂ થાય એ પહલા જ મોદીએ કાર્યકરોને પૂછ્યું કોઈને કંઈ કહેવું છે? વડા પ્રધાન સામેથી પૂછતા હોય ત્યારે કોણ ચૂપ રહે! વિધાનસભા દંડક પંકજ દેસાઈએ સૌ ધારાસભ્ય વતી કહ્યું કે ‘સાહેબ બધાને દિલ્હીમાં તમને મળવા આવવું છે... તમે મુખ્યમંત્રીને પ્રોમિસ આપ્યું હતું કે બધાને લઈને આવજો’ દેસાઈની આટલી વાત સાંભળીને મોદી હસી પડ્યાને કહ્યું, ‘બધા આવતા જ હોય છે. છતાંયે જે નથી આવી શક્યા તેમનું ગ્રૂપ બનાવીને આવો. પણ કોઈને કહેતા નહીં કે વડા પ્રધાનને મળવા જઈએ છીએ. આપણે તો નરેન્દ્રભાઈ જ રાખવું.’ મોદીની આવી હળવાશભરી વાતથી કાર્યકરોમાં પણ જોમજુસ્સો વધી ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter