અમદાવાદઃ અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રાત્રે પાંચ ફ્લાઇટોના પેસેન્જરો ભેગા થઇ જવાને કારણે સીઆઇએસએફના બે સિક્યુરિટી ગેટ પરથી ચેકિંગ કરાવીને પેસેન્જરને ડિપાર્ચર બિલ્ડીંગમાં પ્રવેશ કરવાનો હોય છે જેમાં ઘણો સમય નીકળી જાય છે. ટ્રોલીમાં સામાન મૂકેલો હોય ત્યારે સીઆઇએસએફના બે સિક્યોરિટી પોઇન્ટ પર ચેકિંગ થવાને કારણે પેસેન્જરોને ભારે હાલાકી પડતી હતી. છેલ્લા કેટલાય વર્ષાથી બે સિક્યોરીટી ગેટ રાખવામાં આવ્યા હતા જેના બદલે હવે એરપોર્ટ ઓથોરીટીએ એક જ ગેટ પરથી પેસેન્જરો સીધા ઇન્ટરનેશનલ ટર્મિનલ બિલ્ડિંગના ડિપાર્ચર એરિયામાં સરળતાથી જઇ શકે તેવી સિસ્ટમ બનાવીને અમલ શરૂ કરી દીધો છે. ઇન્ટરનેશનલ ર્ટિમનલ બિલ્ડિંગમાં ડિપાર્ચર એરિયામાં પ્રવેશ કરતા પહેલા સીઆઇએસએફના પ્રથમ એન્ટ્રી ગેટ પર પાસપોર્ટ અને ટિકિટ ચેક કરાય છે ત્યારે બાદ બિલ્ડિંગમાં પ્રવેશ તો મળી જાય છે પણ ડિપાર્ચર એરિયામાં જતા પહેલાં બીજો સીઆઇએસએફનો એન્ટ્રી પોઇન્ટ આવે છે ત્યાં પણ લાઇનમાં ઊભા રહેવું પડે છે. જેના કારણે પેસેન્જરો સમય બગડે છે. કેમ કે બિલ્ડિંગમાં પ્રેવશ કર્યા પછી બેગેજ સ્ક્રીનિંગ કરાવવાનું કામ હોય છે ત્યાર બાદ એરલાઇન્સના કાઉન્ટર પર પાસ લેવાનો હોય છે.


