ડો. કલામ અંતરીક્ષ વૈજ્ઞાનિક હતા નરેન્દ્ર મોદી સામાજિક વૈજ્ઞાનિક: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

Tuesday 23rd January 2018 15:11 EST
 
 

અમદાવાદ: ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૧મીએ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી પહોંચ્યા હતા. પ્રથમ દિવસે તેઓએ ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી. કોવિંદ રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત પદવીદાન સમારોહમાં ૮ વિદ્યાશાખાના કુલ ૫૬,૧૫૯ વિદ્યાર્થીઓને ડિગ્રી-ડિપ્લોમાની પદવી અને ૧૩૫ વિદ્યાર્થીઓને ૨૪૨ ગોલ્ડ મેડલ એનાયત થયા હતા. યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ પત્ની સાથે પદવીદાન સમારોહમાં હાજર રહ્યા હતા. કોવિંદના હસ્તે ૭ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાયા હતા. એમ.એન. લો કોલેજના શાલુ પ્રવીણકુમાર રાવલને થર્ડ એલએલબીમાં ૧૦માંથી ૧૦ ગોલ્ડ મેડલ મળ્યાં હતાં. આ સમારોહમાં બી. જે. મેડિકલ કોલેજના ફાળે ૩૭ ગોલ્ડ મેડલ મળ્યાં. અમય બેંકર અને શીખા શાહને ને ૮-૮ મેડલ એનાયત થયા હતા.બાકીના વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે મેડલ અપાયા હતા. કોવિંદે તેમના ભાષણમાં અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો, બુલેટ ટ્રેનનો પ્રારંભ થવાનો છે તેનો ઉલ્લેખ કરીને કહ્યું કે અમદાવાદનો માળખાગત વિકાસ સારો છે. વિકાસ માટે અહીં સાનુકૂળ વાતાવરણ છે. અંતમાં તેમણે રાષ્ટ્રપતિ ભવન તમારા બધાનું છે. દરેક ભારતીયનું છે એમ કહી રાષ્ટ્રપતિ ભવન નિહાળવા આમંત્રણ આપ્યું હતું.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ. પી. જે. અબ્દુલ કલામ સ્પેસ સાયન્ટીસ્ટ હતા તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ સાયન્ટીસ્ટ છે. બંને વિનમ્ર અને ગરીબ પરિવારમાંથી છે. છતાં મહેનત થકી સર્વોચ્ચપદે પહોંચી શક્યા. મોદીને તો ચાયવાલા વડા પ્રધાનની ઉપમા મળી છે. આનાથી વધુ પ્રેરણા શું હોય? આ ઉદાહરણના આધારે કહેવા માંગુ છું કે તમારા જીવનમાં આવી સ્થિતિ આવી નહીં હોય. તમારામાંથી કોઈએ ચા તો નહીં જ વેંચી હોય. પરંતુ હવે પદવી મેળવ્યા પછી તમે આ બંને મહાનુભાવને પાછળ છોડી શકો તેવું કરી બતાવજો’ તેમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાત યુનિવર્સિટીના ૬૬માં વાર્ષિક પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું.
બીજા દિવસે ૨૨મી તારીખે રાષ્ટ્રપતિ વડોદરા એમ એસ યુનિવર્સિટીના પદવી દાન સમારંભમાં હાજર રહ્યા હતા. ત્યારબાદ ગોંડલના અક્ષરદેરી સાર્ધ શતાબ્દી સમારોહમાં પણ ઉપસ્થિત હતા. તેમની સાથે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ દરેક જગાએ હાજરી આપી હતી. સાંજે રાષ્ટ્રપતિ દિલ્હી જવા રવાના થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter