ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે તાજેતરમાં સંસદમાં રજૂ કરેલા વચગાળાના અંદાજપત્રમાં ગૌ સંવર્ધન અને સંશોધન માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની રચના કરવાની જાહેરાત કરી હતી. ૨૨મીએ આ આયોગના ચેરમેન પદે પૂર્વ કેન્દ્રીય પ્રધાન ડો. વલ્લભ કથિરિયાની નિમણૂક કરી છે. કથિરિયા ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના ચેરમેન રહી ચૂક્યા છે.
આ આયોગના ચેરમેન પદે ડો. કથિરિયા ઉપરાંત વાઇસ ચેરમેન પદે કેન્દ્રીય પશુપાલન સચિવની નિમણૂક કરાઇ છે. કારોબારી સભ્યોમાં ગૌસેવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા બે જાણીતા લોકોની પસંદગી કરવામાં આવી છે જેમાં મહારાષ્ટ્રના નાગપુરના ગો-વિજ્ઞાન અનુસંધાન કેન્દ્રના સુનિલ માસિંગકા અને ગૌ સંવર્ધન ક્ષેત્રે કામ મધ્ય પ્રદેશમાં કામ કરતા હુકુમચંદ સાવલાની નિમણૂક કરાઇ છે. આ ઉપરાંત કરનાલની નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર તથા બીએઆઇએફ રિસર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટની પણ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિ તરીકે વરણી કરાઇ છે. આ ક્ષેત્રે સંશોધન કરતાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચના કેન્દ્ર અને રાજ્યોના બે પ્રતિનિધિ, આસામ અને આંધ્ર પ્રદેશના પશુપાલન મંત્રાલયના બે ડિરેક્ટરોની પણ નિમણૂક કરાઇ છે. આયોગના સભ્ય સચિવ પદે કેન્દ્રીય પશુપાલન વિભાગના સંયુક્ત સચિવને મૂકવામાં આવ્યા છે.

