ડો. સૌરભ પટેલનું હેલ્થકેર કૌભાંડઃ પ્રિસ્ક્રિપ્શન્સ લખી ખોટાં ક્લેઈમ્સ વસૂલ્યા

Sunday 05th March 2023 11:47 EST
 
 

ન્યૂ યોર્કઃ નેવાર્કના 51 વર્ષીય ભારતીય-અમેરિકન ફીઝિશિયન સૌરભ પટેલે તબીબી દૃષ્ટિએ જરૂરી ન હોય તેવી દવાઓ માટે પ્રીસ્ક્રિપ્શન્સ લખી ખોટાં ક્લેઈમ્સ કરી ન્યૂ જર્સી સ્ટેટ અને અન્ય વીમેદારોના સરકારી અને સ્થાનિક હેલ્થ બેનિફિટ પ્રોગ્રામ્સ સાથે છેતરપિંડી કર્યાનો ગુનો કબૂલ્યો છે. ડો. સૌરભને વધુમાં વધુ 10 વર્ષ જેલની સજા અને 250,000 ડોલરનો દંડ થઈ શકે છે. તેમને 27 જૂને સજા જાહેર કરાશે.
ન્યૂ જર્સીના વૂડબ્રીજના રહેવાસી ડો. સૌરભ પટેલે પરિવારના સભ્ય કૈવલ પટેલ સાથે મળી હેલ્થકેર કૌભાંડ આચર્યાનો આરોપ હતો. કોર્ટના દસ્તાવેજો અનુસાર ફાર્માસ્યુટિકલ્સ અથવા મેડિસિન્સનો કોઈ અનુભવ ન હોવાં છતાં, કૈવલ અને તેની પત્નીએ કમ્પાઉન્ડ પ્રીસ્ક્રિપ્શન મેડિકેશન્સ સહિત તબીબી ઉત્પાદનો અને સર્વિસીસના બજાર માટે ABC Healthy Living LLCની સ્થાપના કરી હતી.
વેસ્ટ ન્યૂ યોર્કના 52 વર્ષીય કૈવલ પટેલ અને તેના સાથીદાર પૌલ કેમાર્ડાએ ડો. સૌરભનો સંપર્ક કરી તબીબી દૃષ્ટિએ પ્રીસ્ક્રિપ્શન્સ જરૂરી ન હોય તો પણ કમિશન મેળવવા પ્રીસ્ક્રિપ્શન્સને ઓથોરાઈઝ કરી આપવા દબાણ કર્યું હતું. કૈવલ હેલ્થ ઈન્સ્યુરન્સ પ્લાન ધરાવતા ફેડરલ અને સ્ટેટ કર્મચારીઓને ડો. સૌરભ પાસે મોકલતો હતો અને ડોક્ટર બિનજરૂરી દવાઓનાં પ્રીસ્ક્રિપ્શન્સ લખતો હતો અને તેનું વળતર મેળવવા મોટાં ક્લેઈમ્સ કરતો હતો. આમાંથી કૈવલ અને તેના સાથીદારને કમિશન મળતું હતું.
કૈવલ સામે મની લોન્ડરિંગના કાવતરા અને ખોટા નિવેદનો આપવાના ચાર્જીસ છે. તેની સામે આ વર્ષના અંત સુધીમાં ટ્રાયલ ચલાવાશે. તેના સાથીદાર કેમાર્ડાએ જુલાઈ 2021માં મનીલોન્ડરિંગ અને હેલ્થકેર ફ્રોડના કાવતરા, ન્યાયિક પ્રક્રિયામાં અવરોધ સહિતના ગુનાઓ સ્વીકારી લીધા હતા અને તેને પણ સજા સંભળાવવાની બાકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter