અમદાવાદઃ અમદાવાદના ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર મહિનાની અંદર છ નવા બેગેજ સ્કેનર મશીન મૂકવામાં આવશે તેવી જાહેરાત તાજેતરમાં કરાઈ છે. હાલમાં પેસેન્જરોને લાંબી કતારમાં ઊભા રહેવું પડે છે અને આ અંગેનો મુદ્દો તાજેતરમાં એરપોર્ટ ખાતે મળેલી એડવાઈઝરી કમિટીમાં સાંસદ પરેશ રાવલે ઉઠાવ્યો હતો. તેમજ પઠાણકોટમાં થયેલા આતંકવાદી હુમલા બાદ અમદાવાદ એરપોર્ટની સિક્યુરિટી વધુ સઘન બનાવી દેવાઈ છે. પેસેન્જરોના લગેજનો સી. આઈ. એસ.એફ. અને અન્ય સિક્યુરિટી એજન્સી દ્વારા ઝીણવટભરી ચકાસણી થાય છે. જેેથી મુસાફરો હેરાન થાય છે અને તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે આ મુશ્કેલીનું નિવારણ ઝડપથી આવી જશે. એરપોર્ટ ઓથોરિટી નવી દિલ્હી દ્વારા નવા બેગેજ સ્કેનર મશીન ખરીદવા માટેની મંજૂરી મળી ગઈ છે.
બે નવા એરોબ્રિજ બનશે
અમદાવાદ એરપોર્ટ ઇન્ટરનેશનલ ર્ટિમનલ બિલ્ડીંગમાં બે નવા એરોબ્રિજ પણ થવાની જાહેરાત હાલમાં થઈ છે. ઇન્ટરનેશનલ બિલ્ડીંગમાંથી ૯૦ ટકા ફ્લાઈટ રાત્રે ઓપરેટ થાય છે અને પેસેન્જરની સંખ્યા પણ વધુ રહેવાથી નવા એરોબ્રિજ લગાવવાનો નિર્ણય લેવાયો છે. જેથી પેસેન્જરો ઝડપથી ર્ટિમનલ બિલ્ડિંગમાં આવી શકશે અને ફલાઈટમાં બેસી શકશે.

