તમારા સ્વજનોની ચિંતા ગુજરાત સરકાર કરે છે તમે નિશ્ચિંત રહોઃ વિશ્વનિવાસી ગુજરાતીઓને મુખ્ય પ્રધાનની ખાતરી

Wednesday 15th April 2020 04:56 EDT
 
 

ગાંધીનગરઃ વિશ્વભરમાં વસેલા ગુજરાતી ભાઇઓ-બહેનો, પરિવારજનોને મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ ૧૨મી એપ્રિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ-ફેસબૂકના માધ્યમથી સંબોધ્યાં હતા. તેમણે ગુજરાતે આ વાઈરસના સંક્રમણ અને વ્યાપને વધતો અટકાવવા કેળવેલી સજ્જતા અને આગોતરા કરેલા સમયબદ્ધ આયોજનની વિસ્તૃત ભૂમિકા આપી હતી. તેમણે વિશ્વવ્યાપી મહામારી સામે સૌ સાથે મળીને વિજયી થઇશું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, હાલના સંજોગોમાં ગુજરાતીઓને એકબીજા માટેની ચિંતા થાય એ સ્વભાવિક છે, પરંતુ ભારતમાં કોરોનાનો પ્રકોપ શરૂ થયો તે પહેલાં દુનિયાના ઘણા દેશોમાં આ પ્રકોપ થઇ ચૂક્યો હતો. ગુજરાતે તો ૧૫ માર્ચથી જ પબ્લિક અવેરનેસ શરૂ કરી દીધી હતી. પબ્લિક પ્લેસિસ બંધ કરી દીધા હતા, પબ્લિક ટ્રાન્સપોર્ટને સેનેટાઇઝ કર્યા હતા અને ગુજરાતના ૬ જિલ્લામાં લોકડાઉન શરૂ કરી દીધું હતું. વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું ત્યારે ગુજરાત વધુ સારી રીતે તૈયાર હતું. ચીનનો પણ આપણે રેકોર્ડ તોડીને માત્ર ૭ દિવસમાં ૨૨૦૦ બેડની કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ તૈયાર કરી શક્યા છીએ. તમામ જિલ્લામાં ૧૦૦-૧૦૦ બેડની એમ લગભગ ૩૦૦૦ બેડની વ્યવસ્થાઓ ઊભી કરી દીધી. આજે ૩૧ ખાનગી હોસ્પિટલો જે વાત્સલ્ય, મા અમૃતમ્ જેવી યોજનાઓમાં સરકારની સાથે છે, તેમાં પણ ૪૦૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતે ૯૫૦૦થી ૧૦૦૦૦ બેડની આગોતરી વ્યવસ્થા કરી છે. જેમાંથી ૧૦૦૦ બેડ વેન્ટિલેટરથી સજ્જ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter