તમે સહુ મારા દિલમાં જ છો

ગુજરાતમાં ઉષ્માસભર આવકારથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગદગદ્

Friday 12th December 2014 07:46 EST
 
 

એરપોર્ટ પર જ યોજાયેલા કાર્યક્રમને સંબોધતાં મોદીએ પ્રજા, પક્ષના સાથી નેતાઓ અને કાર્યકરો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં હતું કે જાહેરજીવનમાં સ્વાગત એ રોજિંદી પ્રક્રિયા હોય છે, પરંતુ કેટલાક સ્વાગત હ્યદયને સ્પર્શી જતા હોય છે. પરંતુ વતનના લોકો દ્વારા થતા સ્વાગત સન્માનનો આનંદ અદકો હોય છે. જે ધરતીએ મને ઉછેર્યો, જે સાથીદારો સાથે ખભેખભા મિલાવીને કામ કરવાનું સૌભાગ્ય સાંપડ્યું છે તેમના હસ્તે થઇ રહેલું સન્માન હૃદયસ્પર્શી છે. લોકોનો પ્રેમ અને કાર્યકરોનો સાથ જ કામ કરવાની નવી શક્તિ, પ્રેરણા પૂરાં પાડતા હોય છે.

૧૭ સપ્ટેમ્બરે તેઓ આયુષ્યના ૬૩ વર્ષ પૂરા કરીને ૬૪મા વર્ષમાં પ્રવેશ કરશે. એરપોર્ટ પર ગવર્નર ઓ. પી. કોહલી, મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ, રાજ્ય સરકારના પ્રધાનો, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદુ સહિતના નેતાઓએ તેમને આવકાર્યા હતા.
એક શુભ શરૂઆત
ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ ભારત પ્રવાસનો આરંભ ગુજરાતથી કરી રહ્યા છે તેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે મારા ગુજરાત આવવાનું એક કારણ એ બન્યું કે ચીનના પ્રમુખ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. દુનિયાના દેશોમાંથી આવતા વડાઓ નાના રાજ્યોને પણ જૂએ તે એક શુભ શરૂઆત છે. માત્ર દિલ્હી જોવાથી આખા ભારતનો અંદાજ આવવો મુશ્કેલ છે. આ દેશ વિવિધતાથી ભરેલો છે. ચીનના રાષ્ટ્રપતિની ગુજરાત મુલાકાત મહત્વપૂર્ણ છે. આવનારા દિવસમાં ગુજરાત પણ વિકાસની નવી પરંપરાને પાર કરશે. પ્રગતિની ગતિ અને વ્યાપ વધશે. સામાન્ય માનવીની આશાઓની પૂર્તિ થાય તેવી વ્યવસ્થાઓ વિકસતી જશે તેનો મને ભરોસો છે. તેમણે કહ્યું હતું કે જે રીતે હું મારા આવનારા દિવસોના કામને જોઈ રહ્યો છું તેમાં મને એ જ લાગે છે કે, સવાસો કરોડ દેશવાસીઓ એક બનીને, નેક બનીને ભારતનું ભાગ્ય બદલવામાં કોઈ કચાશ નહીં રાખે. દેશ પ્રગતિની નવી ઉંચાઈ પાર કરશે.

ગુજરાતનો અનુભવ કામ લાગ્યો
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ગુજરાતનો ૧૪ વર્ષનો અનુભવ મને દિલ્હીમાં સરકાર ચલાવવામાં મદદરૂપ થઇ રહ્યો છે. એક રાજ્યના મુખ્ય પ્રધાન આટલી મોટી જવાબદારી માથે આવી પડે તો ઘાંઘા થઇ જાય, પણ મારી ટ્રેનિંગ જ એવી છે કે નવી પરિસ્થિતિ, નવું વાતાવરણ પણ સહજતાથી આત્મસાત કરી શકું છું. ખૂબ ટૂંકા સમયગાળામાં, દેશની પાયાની બાબતો, લોકોની પરિસ્થિતિ વગેરેને સમજીને દેશને આગળ ધપાવવા માટે જે પ્રામાણિક પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે આપણે સાથે મળીને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવામાં પાછીપાની ન કરીએ. તેજ ગતિથી ગુજરાતનો વિકાસ થાય. શરૂઆતમાં સંતાકૂકડી રમતો વરસાદ પછી મન મૂકીને વરસ્યો છે જેનો લાભ દેશના ગ્રામીણ જીવન અને કૃષિજગતને જરૂર મળવાનો છે. ગુજરાતની આબોહવાની તાજગી દિલ્હી જઈ વધુ કામ કરવા શક્તિ આપશે તેવો ભરોસો છે.

વિકાસનો મંત્ર – ટીમ ઇંડિયા
એરપોર્ટ પર સ્વાગત પછી ભાજપ દ્વારા અડાલજમાં ત્રિ-મંદિર ખાતે ભવ્ય સત્કાર સમારંભ યોજાયો હતો, જેમાં રાજ્યભરમાંથી હજારો કાર્યકરો ઉમટ્યા હતા. અહીં મોદીએ પ્રાસંગિક સંબોધન કરતાં કહ્યું હતું કે ગુજરાત મારાથી કે આનંદીબહેનથી નહીં, પરંતુ તમારાથી ચાલે છે. આની સાથોસાથ તેમણે કાર્યકરોને ટકોર પણ કરી હતી કે એવી ભૂલ ન કરશો કે દેશમાં અસ્થિરતા આવે. દેશને અત્યાર સુધીમાં અનેક ગણું નુકસાન થયું છે. ભારતમાં વિકાસની અનેક ઉજળી તકો છે. અને વિકાસનો એક જ મંત્ર છે - ટીમ ઇંડિયા. અગાઉની સરકારે દેશની ચિંતા કરી નહોતી તેવો ટોણો મારતા તેમણે કહ્યું કે આપણે સંઘીય ઢાંચાને વધુ મજબૂત કરવો પડશે. ૧૦ વર્ષનો ખાડો પૂરવાનો છે.

હીરાબાના આશીર્વાદ લેવા જશે
પક્ષના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ મોદી સીધા ગાંધીનગર સ્થિત રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેઓ રાત્રિ-રોકાણ કરશે. બુધવારે સવારે તેમના જન્મદિન પ્રસંગે ગાંધીનગરમાં રહેતા માતા હીરાબાના આશીર્વાદ લેવા જશે. જ્યાંથી મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે અમદાવાદ એરપોર્ટ ઉપર ચીનના પ્રમુખને આવકારીને હોટલ હયાત પહોંચશે. અહીં તેઓની ઉપસ્થિતિમાં કેટલાક સમજૂતી કરાર થશે. બાદમાં, ગાંધી આશ્રમ અને રિવરફ્રન્ટ ખાતે ડીનર લઈ દિલ્હી જવા રવાના થશે.

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ગુજરાતની મુલાકાતે આવી રહેલા ચીનના પ્રમુખ શી જિનપિંગને આવકારવા માટે ગુજરાત આવ્યા છે. આ જ દિવસે મોદીનો જન્મદિવસ પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter