તાપી, ડાંગ, આહવા ૧૪ ઈંચ વરસાદથી જળબંબાકાર

Wednesday 11th July 2018 09:09 EDT
 
 

ગાંધીનગરઃ રાજયમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં ચોથી જુલાઈથી સરેરાશ રોજિંદો એકથી બે ઈંચ વરસાદ છે. જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં હજી મેઘરાજાના રિસામણા હોય તેમ રોજ કુલ અડધોથી કલાક વરસાદના છુટાછવાયા છાંટા પડે છે. ચોમાસુ સિસ્ટમ સક્રિય થવાના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. કચ્છમાં સામાન્ય રીતે જૂન માસનાં અંતિમ દિવસોમાં વરસાદની શરૂઆત થઇ જતી હોય છે, પરંતુ આ સિઝનમાં હજી વરસાદ ન થતાં માલધારીઓ મુશ્કેલીમાં છે.
દક્ષિણમાં નદીઓ છલકાઈ
ડાંગ આહવા નવસારી અને સુરતમાં ચોથી જુલાઈથી ધોધમાર વરસાદ યથાવત રહે છે. ચોથી જુલાઈની રાત્રે મેઘતાંડવ સર્જાતાં ડાંગ, તાપી, વલસાડ, નવસારી, અને સુરત જિલ્લામાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ હતી. ડાંગના ભારે વરસાદને કારણે નવસારીમાં સંભવિત પુરની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્રને સાબદું કરાયું છે. વઘઈ તાલુકામાં સાતમી જુલાઈ સુધીના અઢાર કલાકમાં ૧૪.૫ ઈંચ જેટલો અતિભારે વરસાદ નોંધાયો હતો. આહવા અને સુબિર ખાતે નવ અને સાપુતારા ખાતે સાત ઇંચ પાણી ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ થઈ હતી. સોનગઢ પંથકમાં ભારે ગાજવીજ અને વાવાઝોડાં સાથે ૪ થી ૬ વાગ્યાના સુધીના માત્ર બે કલાકમાં લગભગ ૮ ઈંચ વરસાદ ખાબકતા નગર અને જંગલ વિસ્તારના કેટલાક ગામોમાં તારજી સર્જાઈ હતી. પુરના પાણી નીચાણવાસના લગભગ ૧૫૦ જેટલા ઘરોમાંથી પસાર થવા લાગતા લોકોએ જીવન બચાવવા ઘરબાર છોડીને ભાગવું પડ્યું હતું. જોકે આ ભયંકર પૂરમાં કોઈ માનવ જાનહાનિ થઈ નથી
ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે.
મધ્ય ગુજરાતમાં મુશળધાર
આણંદમાં ચોથીએ વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થતાં અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જયારે ડેરી રોડ પર લાઇટ ડુલ થઇ હતી. ખેડાના નડિયાદ, કપડવંજ, કઠલાલ, મહુધા પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતા.
વડોદરામાં પણ પાંચમીની રાતથી ધીમીધારે વરસાદ વરસતા લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ત્યારે સમગ્ર રાજયમાં વરસાદને પગલે ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
સૌરાષ્ટ્રમાં સારો વરસાદ
અમરેલીમાં જૂનના અંતથી જ મેઘરાજા મહેરબાન થયા હતા જ્યારે સાવરકુંડલામાં આઠમી જુલાઈએ ભારે વરસાદ થયો હતો અને દાધિયાની ઘાણો અને દલી નદીમાં પુરની સ્થિતિ સર્જાઇ હતી. રાજુલાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાતમીથી રોજિંદો એકથી ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો જેના કારણે નદીઓમાં નવા નીર આવ્યા હતા. રાજકોટમાં છઠ્ઠીએ સારો વરસાદ રહ્યા પછી મેઘરાજાએ વિરામ લીધો હતો. શાપર વેરાવળમાં આઠમી અને નવમીએ મળીને કુલ એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. બોટાદમાં ધીમીધારે વરસાદના સમાચાર છે. ગોંડલ તાલુકાના રિબડા, ગુંદાસરા સહિતના વિસ્તારોમાં સાતમીથી ભારે વરસાદ નોંધાયો છે.
બાળકો પુરમાં ફસાયા
અરવલ્લી જિલ્લાની ધામણી નદીમાં પૂર આવતા બાયડનું ચપલાવત ગામ સંપર્ક વિહોણું બન્યું હતું અને ચપલાવતના ૩૦ જેટલા વિદ્યાર્થીઓ પૂરમાં ફસાયા હતા. આ ગામના વિદ્યાર્થીઓ નદીને બીજે પાર શાળામાં ગયા હતા. આ સમયે ભારે વરસાદના કારણે ધામણીમાં સાતમીએ એકાએક પૂર આવતાં ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. જેથી શાળાએ ગયેલા વિદ્યાર્થીઓ શાળામાં ફસાઈ ગયા હતા. પૂરના પાણી ઓછા થતાં બાળકોને ગામમાં લાવવા પ્રયત્નો થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter