તાલાલાઃ તાલાલા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર ગોવિંદભાઈ પરમારનો વિજય થયો છે. કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ બારડના નિધનથી ખાલી પડેલી એક બેઠકની પેટાચૂંટણીમાં કુલ પાંચ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. કોંગ્રેસના ભગવાનભાઈ ધનાભાઈ બારડને ૬૧,૪૫૮ જ્યારે ભાજપનાં ગોવિંદભાઈ વરજાંગભાઈ પરમારને ૬૩,૮૯૯ મત મળ્યા હતા. આમ તેમનો ૨૪૪૧ મતની લીડથી વિજય થયો હતો.
ભાજપનો આંક ફરી ૧૨૧
તાલાલા પેટાચૂંટણીના પરિણામો બાદ ગુજરાતમાં ભાજપ વિધાનસભા ૨૦૦૭ની ચૂંટણીઓ પછી જે સ્થિતિમાં હતું ત્યાં પહોંચી ગયું છે. તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં વિધાનસભામાં ભાજપના ૧૨૧ ધારાસભ્યો હતા. આઠેક વર્ષ પછી આનંદીબહેનની સરકાર આ આંક સાથે શાસનને આગળ વધારી રહી હોવાનું મુખ્ય દંડક પંકજ પટેલે જણાવ્યું હતું. ૨૦૧૨માં સામાન્ય ચૂંટણીઓમાં ભાજપને ૧૧૮ બેઠકો મળી હતી. સમયાંતરે યોજાયેલી પેટાચૂંટણીઓમાં વધુ ત્રણ બેઠકો પર વિજય મળતાં હવે આંકડો ૧૨૧ પર પહોંચ્યો છે. ભાજપની આગેકૂચ થઇ છે તો કોંગ્રેસની પીછેહઠ થઇ છે. કોંગ્રેસના સભ્યોની સંખ્યા ૨૦૦૭માં હતી એટલે કે ૫૬ થઇ ગઇ છે. ૨૦૧૨ની ચૂંટણીમાં કોંગ્રેસને ૬૧ બેઠકો મળી હતી. ડિસેમ્બર ૨૦૧૭ સુધીની ૧૩મી વિધાનસભામાં હવે ૧૮૨ સભ્યોનું કુલ કોરમ થયું છે.


