ગાંધીનગરઃ રાજ્ય સરકારે એનજીઓ સંચાલિકા તિસ્તા સેતલવાડ, નિવૃત્ત ડીજીપી આઈપીએસ આર.બી. શ્રીકુમાર તથા સસ્પેન્ડેડ આઈપીએસ સંજીવ ભટ્ટ વિરુદ્ધ તપાસ માટે દીપન ભદ્રન સહિત ચાર સભ્યની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) બનાવી છે. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના વડા દીપન ભદ્રન એસઆઈટીનું નેતૃત્વ કરશે. ત્રણેય વિરુદ્ધ તપાસ કરીને તેમણે રાજ્ય સરકારના ગૃહ વિભાગને અહેવાલ સોંપવાનો રહેશે.
2002માં રમખાણો સમયે ત્રણેયે વિવિધ અદાલતોમાં સોગંદનામા કરીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓ સામે આક્ષેપો કર્યા હતા. સુપ્રીમ કોર્ટે બે દિવસ પહેલાં આપેલા ચુકાદામાં ત્રણેય વિરુદ્ધ તપાસના આદેશ કર્યા હતા, જેને પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે તિસ્તા, શ્રીકુમારની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે ભટ્ટ હજુ પાલનપુર જેલમાં છે. તેમને ટ્રાન્સફર વોરંટથી અમદાવાદ લવાશે. એસઆઈટી આ ત્રણેય વિરુદ્ધની તપાસમાં તેમણે ગુનાહિત કાવતરું રચ્યું હતું કે કેમ, તેમની સાથે કોઈ રાજકીય વ્યક્તિ સામેલ હતી, તેમને કોણ ફંડિંગ કરતું હતું વગેરે અંગે તપાસ કરશે.


