તિસ્તાના એક સમયના ઘનિષ્ઠ સાથી રઈસ ખાને મેજિસ્ટ્રેટ સામે ભાંડો ફોડયો

Saturday 23rd July 2022 05:08 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં 2002માં ફાટી નીકળેલા કોમી તોફાન કેસમાં ખોટા દસ્તાવેજ અને સાક્ષી ઊભા કરવાના તિસ્તા સેતલવાડ સહિતના સામેના કેસમાં એક મહત્વના સાક્ષીનું એસઆઈટી દ્વારા નિવેદન લેવામાં આવ્યુ હતું. એસઆઈટી દ્વારા આ સાક્ષીનું મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસીની કલમ 164 મુજબ નિવેદન પણ લેવાડાવાયું હતું. આ ઉપરાંત, તિસ્તા સેતલવાડને તેના ષડયંત્રમાં ન્યાયિક પ્રક્રિયા દરમિયાન અને નાણાંવટી તપાસ પંચમાં ખોટી એફિડેવિટ, દસ્તાવેજો અને બનાવટી સાક્ષીઓ તૈયાર કરાવવામાં મદદ કરનાર એડવોકેટને આગામી દિવસોમાં તપાસ માટે બોલાવવામાં આવશે તેમ મનાય છે.
ઉલ્લેખનીય છે કે, પાંડરવાડા નરકંકાલ કાંડ સમયથી તિસ્તા સેતલવાડની એનજીઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા તિસ્તાના જ સાથી રઈસ ખાને અચાનક જ 2011માં ગુલબર્ગ સોસાયટીના મુદ્દે ફંડ અંગે ઉગ્ર મતભેદો થયા બાદ તિસ્તાનો સાથ છોડી દીધો હતો. તે જ અરસામાં તેણે તિસ્તા સામે બોગસ દસ્તાવેજો, સોગંદનામા અને સાક્ષીઓ વિષે ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા અને કેસ પણ કર્યો હતો.
તાજેતરમાં જ્યારે સુપ્રીમ કોર્ટે 2002ના રમખાણોના મુદ્દે ઝાકીયા જાફરીની પિટીશન ફગાવી દેતાં તિસ્તા, સંજીવ ભટ્ટ વગેરે અંગે જે અવલોકનો કરેલા તેના પગલે તિસ્તા સહિતના સામે અમદાવાદમાં એફઆઈઆર નોંધાઈ અને તિસ્તા અને ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓ શ્રીકુમાર અને સંજીવ ભટ્ટની ધરપકડ થઈ. આ કેસમાં સરકારે રચેલી ‘સીટ’ દ્વારા સઘન તપાસના ભાગરૂપે હવે રઈસ ખાનને મહત્ત્વના સાક્ષી તરીકે લેવામાં આવ્યો છે. તેનું તાજેતરમાં જ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ નોંધાવાયું છે. રઈસ ખાનના જ નિવદેનના આધારે આ કેસમાં હજુ વધુ આરોપીઓ ઉમેરવામાં આવે તેવી શક્યતા છે.
એસઆઈટી સમક્ષ રઈસ ખાને ઘટસ્ફોટ કર્યો છે કે, તિસ્તાએ રાજ્યસભામાં રહેલા કોંગ્રેસના દિવંગત સાંસદ અહેમદ પટેલ સાથે જ્યારે શાહીબાગ સરકીટ હાઉસમાં બેઠક મળી અને તિસ્તાને પાંચ લાખ રોકડા ચૂકવાયા હતા ત્યારે રઈસ ખાન ત્યાં હાજર હતો. તેમના ત્રણ ઉપરાંત કોંગ્રેસના તત્કાલિન કેટલાક નેતાઓ પણ ઉપસ્થિત હોવાનું રઈસ ખાને કહ્યું છે. આ બેઠકમાં ગુજરાતની ચુંટાયેલી સરકારને ઉથલાવી પાડવા માટે મોટું ષડયંત્ર રચેલું હતું. આ માટે અહેમદ પટેલે તિસ્તા સેતલવાડને પહેલા પાંચ લાખ અને પછી પચ્ચીસ લાખ રોકડા ચૂકવ્યા હતા. તિસ્તા સેતલવાડની સાથે કામ કરનાર રહીશ ખાને કહ્યું હતું કે, તિસ્તા સેતલવાડ બોગસ એફિડેવીટ રજૂ કરવામાં, સરકાર ઉથલાવવા માટે ખોટા આક્ષેપો કરતી હોવાથી તેનો સાથ છોડી દીધો હતો.
આ પછી રઈસ ખાન સામે પણ તિસ્તાએ ગંભીર આક્ષેપો કર્યા અને ધમકીઓ પણ આપી હતી, જેના કારણે પોતાને પ્રોટેક્શન મેળવવું પડયું હોવાનું રઈસ ખાને જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter