અમદાવાદઃ સામાજિક કાર્યકર્તા હવે પોલીસના સકંજામાં આવી છે. સબરંગ ટ્રસ્ટ અને સિટીજન ફોર જસ્ટિસ એન્ડ પીસના વિદેશી બેંક ખાતામાં છ વર્ષમાં રૂ. ૨.૩૨ કરોડ જમા થયા હતા. જેમાંથી લાખો રૂપિયા તિસ્તા સેતલવાડ અને તેના પતિના અંગત ખાતામાં ટ્રાન્સફર થયા હોવાના પૂરાવા પોલીસને મળ્યા છે. આ અંગત ખાતામાંથી નાણાનો ઉપયોગ ક્યાં કર્યો તે અંગે તિસ્તા સેતલવાડે પોલીસ સમક્ષ ખૂલાસો કર્યો નથી.
તિસ્તા સેતલવાડે સબરંગ ટ્રસ્ટ અને સિટીજન ફોર જસ્ટીસ એન્ડ પીસ(સીજેપી)ના નામે મુંબઇમાં બે ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન તારીખ ૨૧-૧૧-૨૦૦૭ના રોજ કરાવ્યું હતું. ત્યારબાદ સબરંગ ટ્રસ્ટ માટે તેમણે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં અને સીજેપી માટે આઇડીબીઆઇ બેંકમાં ખાતા ખોલાવ્યાં હતાં. આ બેંકો તરફથી પોલીસને મળેલા પૂરાવા મુજબ ૨૦૦૭થી ૨૦૧૩ દરમિયાન સબરંગ ટ્રસ્ટના ખાતામાં રૂ. ૧.૩૭ કરોડ જમા થયા હતા. તેમાંથી તિસ્તા, જાવેદ આનંદ, સબરંગ કોમ્યુનિકેશન, પુત્રી તમારા સેતલવાડના ખાતામાં તેમ જ રોકડ મળીને રૂ. ૮૫ લાખ ટ્રાન્સફર થયા છે.
ફોર્ડ ફાઉન્ડેશનને નોટિસ
તિસ્તા સેતલવાડને ભંડોળ આપનાર અમેરિકાના ફોર્ડ ફાઉન્ડેશનને ભારત સરકારે નોટિસ પાઠવીને ૩૦ દિવસમાં ખુલાસો કરવાની કહ્યું છે. આ સ્વૈચ્છિક સંસ્થાએ પીડિતોના નામે તિસ્તા સેતલવાડને કરોડો રૂપિયા દાન સ્વરૂપે આપ્યા હતા. આ ભંડોળથી તિસ્તા સેતલવાડે ગુજરાતમાં ચૂંટાયેલી સરકારને બદનામ કરીને, તેને ઊથલાવી પાડવાનો મનસૂબો રચ્યો હતો. તેથી ખરેખર વિસ્થાપિતો માટે આપવામાં આવેલુ દાન તેના ઉદ્દેશ્ય પ્રમાણે ઉપયોગમાં લેવાઈ રહ્યું હતું તેવી ખબર સખાવત કરનાર ફોર્ડ ફાઉન્ડેશનને હતી? તેવા સવાલ સાથે ભારત સરકારનાં ગૃહ મંત્રાલયે સેતલવાડને દાન આપનાર ફોર્ડ ફાઉન્ડેશનને ખુલાસો કરવા નોટિસ પાઠવી છે.