તુલસી વિવાહ સાથે જ લગ્નસરાનો પ્રારંભઃ 8 માસમાં 61 મુહૂર્ત

Monday 07th November 2022 09:49 EST
 
 

અમદાવાદઃ વિક્રમ સંવત - 2079ના નવા વર્ષમાં લગ્નસરાની નવી સિઝનને પગલે વર-કન્યા પક્ષ દ્વારા પ્રસંગને રંગેચંગે પાર પાડવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોરોના મહામારીના પગલે વીતેલા બે વર્ષમાં અનેક નિયંત્રણો વચ્ચે ભારે હાડમારી વેઠ્યા બાદ હવે તમામ પ્રકારના નિયંત્રણો ઉઠી ગયા છે. આથી માંગલિક પ્રસંગોનું આયોજન કરનાર પરિવારોમાં અનેરો આનંદ પ્રવર્તે છે. શહેરો-નગરોમાં લગ્ન આયોજનો માટે પાર્ટી પ્લોટ, હોલ, વાડીઓનું એડવાન્સ બુકિંગ થઇ ગયું છે.

દેવઊઠી એકાદશીથી શરૂ થયેલી લગ્નસરાની નવી સિઝનમાં 8 માસ દરમિયાન કુલ 61 મુહૂર્ત રહેશે. ચોથી નવેમ્બરના રોજ શુક્રવારે દેવઊઠી એકાદશીની ઉજવણી સાથે માંગલિક કાર્યોનો પ્રારંભ તો થયો છે, પરંતુ લગ્નમુહૂર્ત માટે 25 નવેમ્બર સુધી રાહ જોવી પડશે. નવી સિઝનમાં નવેમ્બર અને ડિસેમ્બરમાં પાંચ-પાંચ મુહૂર્ત છે તો એપ્રિલમાં એકેય મુહૂર્ત નથી. બીજી તરફ, મે માસમાં સૌથી વધારે 18 મુહૂર્ત આવી રહ્યા છે. આમ તો મંદિરોમાં તુલસી અને ભગવાન શાલીગ્રામના લગ્ન લેવાની સાથે જ લગ્નસરાની સિઝન શરૂ થાય છે. આ વર્ષે 4 નવેમ્બરે દેવઊઠી એકાદશી ઉજવાઇ હતી. જોકે, બીજી ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી શુક્રનો અસ્ત છે. આ સ્થિતિમાં વિવિધ ગ્રહયોગના પગલે લગ્નનું પહેલું મુહૂર્ત 25 નવેમ્બરે છે.
લગ્નસરાની નવી સિઝનમાં નવેમ્બર દરમિયાન પાંચ અને ડિસેમ્બરમાં પાંચ મુહૂર્ત છે. જ્યારે 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી ધનારક એટલે કે કમુરતા રહેશે. એપ્રિલમાં એકથી 28 તારીખ સુધી ગુરુનો અસ્ત હોવાથી એકેય લગ્નમુહૂર્ત નથી. મે માસમાં સૌથી વધારે 18 મુહૂર્ત છે.

વિક્રમ સંવત-2979ના લગ્નમુહૂર્ત પર એક નજર...

નવેમ્બરઃ 25, 26, 27, 28, 29
ડિસેમ્બરઃ 2, 4, 8, 9 14
જાન્યુઆરી 2023ઃ 17, 18, 25, 26, 27, 28, 31
ફેબ્રુઆરી 2023ઃ 1, 6, 7, 10, 11, 14, 16, 22, 23
માર્ચ 2023ઃ 8, 9, 10, 11, 13, 14
મે 2023ઃ 2, 3, 4, 6, 7, 8, 9, 10, 11, 12, 15, 16, 21, 22, 27, 29, 30, 31
જૂન 2023ઃ 3, 6, 7, 8, 11, 12, 13, 23, 26, 27, 28


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter