અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિએ ૬ સપ્ટેમ્બર સવારે ૬ વાગ્યાથી દાંડી ખાતેથી પાટીદાર અનામત કૂચની યોજના બનાવી હતી, પરંતુ મંજૂરી ન મળતાં અત્યારે આ ઊંધી દાંડીયાત્રાને સ્થગિત કરવામાં આવી છે. જોકે બીજી તરફ સમિતિના સંયોજક હાર્દિક પટેલે સરકારને આવી ઊંધી દાંડીયાત્રા માટે મંજૂરી આપવા ૧૨ સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. હાર્દિકે કહ્યું કે, ‘અમે ક્યારેય એવું નથી ઇચ્છતા કે રાજ્યમાં વર્ગવિગ્રહ થાય કે અશાંતિ ઊભી થાય. દાંડીથી શરૂ થનારી પાટીદાર અનામત કૂચને મંજૂરી ન મળતા આ કૂચને સ્થગિત કરી છે, પણ જો ૧૨ સપ્ટેમ્બર સુધીમાં અમને મંજૂરી નહિ મળે તો ૧૩મી સપ્ટેમ્બરે સવિનય કાનૂન ભંગ કરીને કૂચ શરૂ કરીશું, જેની સરકાર નોંધ લે.’
પોલીસને ક્લીન ચીટ
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ૨૫ ઓગસ્ટે યોજાયેલી પાટીદારોની મહાસભા બાદ મોડી સાંજે હાર્કિદ પટેલની ધરપકડ પછી પોલીસે બેફામ લાઠીચાર્જ કર્યો હોવાના મુદ્દે પોલીસને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ક્લીન ચીટ આપી છે. પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાન્ચે પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દીપેન ભદ્રને કહ્યું હતું કે, ‘આ મામલે તપાસ પૂર્ણ થઈ છે. મંગળવારે હું મારો અહેવાલ પોલીસ કમિશનર શિવાનંદ ઝાને સુપરત કરીશ.’ ૨૫મીએ સભા પછી પોલીસે કરેલા બેફામ લાઠીચાર્જને પગલે રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં. તોફાનોને કાબૂમાં લેવા તત્કાલ લશ્કરને બોલાવવાની ફરજ પડી હતી. બીજી તરફ આ મામલે રાજ્ય સરકાર બચાવની સ્થિતિમાં મુકાઈ હતી.
ફૂલ આપવામાં પોલીસનું વિઘ્ન
અનામતની માગણી સાથે પટેલ ધારાસભ્યો સમાજ સાથે છે કે સરકાર સાથે તેવું ગુલાબનું ફૂલ આપીને પૂછવાની પાટીદાર હાર્દિક પટેલની યોજનાને પોલીસે નિષ્ફળ બનાવી હતી. અમદાવાદમાં ઠક્કરબાપાનગરના ધારાસભ્ય વલ્લભભાઇ કાકડિયા અર્ધલશ્કરી દળના જડબેસલાક બંદોબસ્ત આડે તેમના બાપુનગરના કાર્યાલયમાં બેસી રહ્યા હતા તો બીજી તરફ હાર્દિકને ગાડીમાંથી ઉતરવા જ દેવાયા ન હતા અને કાકડિયા સુધી પહોંચવા જ દેવાયા ન હતા. કાકડિયાએ કાર્યાલયમાં બેઠા બેઠા હાર્દિકને તેમની સામે ચૂંટણી લડવા પડકાર ફેંક્યો હતો તો હાર્દિકે પણ મીડિયા સમક્ષ સરકાર લોકશાહીનો ભંગ કરી રહી હોવાની અને પ્રજાના પ્રતિનિધિને ન મળવા દેવાનો આરોપ મૂક્યો હતો.
...તો મારા ઘર પર પથ્થર મારજો
પાટીદાર અનામત આંદોલન સમિતિ આગામી ચૂંટણીમાં તેના ઉમેદાવારો ઊભા રાખશે તેવી ચર્ચાનો અંત લાવતા કન્વીનર હાર્દિક પટેલે કહ્યું હતું કે, ‘મારી કોઈ રાજકીય મહત્વકાંક્ષા નથી, હું કોઈ નેતા પણ બનવા ઇચ્છતો નથી. હું એવી ખાતરી આપું છુ કે અમારી સમિતિના કોઈ પણ નેતાઓ ક્યારેક અપક્ષ ઉમેદવાર તરીકે પણ ચૂંટણી નહીં લડે. જો હું ચૂંટણી લડું તો સૌથી પહેલા પટેલ સમાજ મારા ઘર પર પથ્થર ફેંકે તેવું તેમને સામેથી કહી રહ્યો છું.’ રાજકીય પક્ષની રચના પટેલ સમાજને ગૂમરાહ કરવા માટે છે અને તેઓ કોઈપણ રીતે તેમાં જોડાશે નહીં. તેવી પણ સ્પષ્ટતા તેમણે કરી હતી.
...તો આંદોલન છોડી દઈશ
અમદાવાદમાં સભા માટે સ્થળ બદલ્યા પછી ઉમિયા કેમ્પસમાં તોફાન, પોલીસ ફરિયાદ અને પૂતળા બાળવાની ઘટનાઓ વચ્ચે ચોતરફથી ઉઠેલા વિરોધ જોઈને પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે નવી નીતિ અપનાવી છે. ૪ સપ્ટેમ્બરે પ્રેસ કોન્ફરન્સ યોજીને રિવર્સ દાંડીકૂચનો કાર્યક્રમ જાહેર કરવાનું જણાવ્યા પછી હાર્દિક પટેલે મેસેજ દ્વારા જાહેરાત કરી છે કે, મારી સાથે ગુજરાતના ૨૬ જિલ્લાના ૩૮ તાલુકાના કન્વીનરો છે. જો તેમાંથી ૧૦ કન્વીનર પણ મારો વિરોધ કરશે તો હું આંદોલન છોડી દઈશ. રેલીઓ યોજનારા એક પણ કન્વીનર મારો વિરોધ નથી કરી રહ્યાં. તમામનો મને સપોર્ટ છે. પુતળા બાળ્યા તે ભાજપના કાર્યકરો હતા.