અમદાવાદઃ આજે શહેરમાં યોજાયેલી પાટીદાર અનામત આંદોલન સમિતિની મહાક્રાંતિ રેલીને સંબોધતા કન્વીર હાર્દિક પટેલે સરકાર પર ભારે પસ્તાળ પાડી હતી. તેમણે ચીમકી આપતા કહ્યું હતું કે જો સરકાર પાટીદાર સમાજની અનામતની માગણી નહીં સ્વીકારે તો ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલશે નહીં. હાર્દિક પટેલના પ્રવચનના અંશો...
• ગુજરાતમાં પાટીદારોની સંખ્યા ૧.૮ કરોડ છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં પણ પાટીદારોનું સામ્રાજ્ય છે. કારણ કે આ દેશમાં ૨૭ કરોડ પાટીદારો છે. ગુજરાતમાં ભલે છ સાંસદો હોય, પણ દેશભરમાં કુલ ૧૧૭ પાટીદાર સાંસદો છે. જે સરકાર પાટીદારોને ખુશ નહીં રાખે તેઓ સરકારમાં રહી શકશે નહીં.
• ગુજરાતમાં જો પાટીદારોની માંગ પૂરી નહીં થાય તો આગામી ૨૦૧૭ની ચૂંટણીઓમાં ભાજપનું કમળ ખીલી શકશે નહીં. આ માત્ર ધમકી નથી, પરંતુ એક વાસ્તવિકતા છે કારણ કે પટેલ મતોને અવગણી શકાય નહીં.
• જ્યારે યુવાનોને તેમના હક મળતા નથી ત્યારે નક્સલવાદ પેદા થાય છે અને આતંકવાદનો ઉદભવ થાય છે. હાલ આપણે જોઈએ છીએ કે દેશમાત્ર સરહદપાર આતંકવાદનો ભોગ નથી બની રહ્યું, પરંતુ આંતરિક આતંકવાદનો પણ ભોગ બની રહ્યો છે.
• સરદારની મહાકાય મૂર્તિ બનાવનારાના મનમાં સરદારના વિચાર નથી.
• ભારતને આઝાદી મળી ત્યારે જ સરદારને વડા પ્રધાન બનાવવામાં આવ્યા હોત તો આજે પટેલોએ અનામત લેવા માટે રસ્તા ઉપર આંદોલન ન કરવા પડત.
• ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં ૬૦૦૦ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જો હવે ખેડૂતો આત્મહત્યા કરશે તો દેશે તેનું પરિણામ ભોગવવું પડશે.
• અનામત આંદોલનથી સરદારની છબી ખરડાઇ રહી છે તેવા આક્ષેપના જવાબમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે અમે સરદારની છબી નાની નહીં, પરંતુ મોટી કરી છે.
• ભ્રષ્ટાચાર માટે સરકાર ઉપર આકરા પ્રહારો કરતા હાર્દિક પટેલે કહ્યું હતું કે સરકારી નોકરીઓના ભાવ પહેલેથી નક્કી જ હોય છે. ચૂકવણી કર્યા વગર નોકરી મળતી નથી. મામૂલી ફિક્સ પગારમાં જો પાંચ વર્ષ નોકરી કરવાની હોય તો પણ તલાટી જેવી નોકરી માટેય ૧૦ લાખ રૂપિયાનો ભાવ બોલાતો હોય છે.
• મોદીસાહેબ, અમને પણ સૌનો સાથ જોઈએ, સૌનો વિકાસ જોઈએ, અમે પણ રીત-રિવાજો, રાજનીતિ જાણીએ છીએ.
• છેલ્લે પોતાનું ભાષણ પૂરું કરતા તેણે કહ્યું હતું કે જ્યાં સુધી ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ આવેદનપત્ર લેવા માટે જીએમડીસી ગ્રાઉન્ડ નહીં આવે ત્યાં સુધી આમરણ ઉપવાસ પર રહેશે.