તોફાની છોકરાઓ મોનિટરને ગાંઠે નહીં તેવો બાપુનો વિધાનસભામાં ઘાટ

Friday 24th February 2017 04:31 EST
 
 

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં બનેલી ગુરુવાર, ૨૩ ફેબ્રુઆરીની શરમજનક ઘટનામાં કોંગ્રેસ-ભાજપના નેતાઓની હાલત કફોડી થઈ ગઈ હતી. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા તો કબૂલ્યું કે બંને પક્ષે ૫૦ ટકા ભૂલ છે. ભાજપ તરફથી કોઈ કબૂલાત થઈ નથી, પણ ભાજપના ધારાસભ્યો ગૃહમાં ગાળો બોલ્યા હતા એ હકીકત છે. અહેવાલ અનુસાર, ભાજપની એ રણનીતિ રહી છે કે ગૃહમાં ચર્ચા દરમિયાન કોઈકને કોઈક રીતે કોંગ્રેસી સભ્યોને ઉશ્કેરવાના. આથી કોંગ્રેસી સભ્યો વેલમાં આવીને હોબાળો કરે એટલે સસ્પેશનનો ભોગ બને. આ પછી ગૃહમાં બીલો રજૂ કરીને કોઈ લાંબી ચર્ચા વિના શાંતિથી પસાર કરી દેવાના.

જોકે ગુરુવાર, ૨૩ ફેબ્રુઆરીએ ગૃહમાં કોંગ્રેસી સભ્યોની આક્રમકતા પાછળ જાણ્યે-અજાણ્યે નલિયાકાંડના ચમકારા છે. બહુ ગાજેલા નલિયાકાંડમાં જે રીતે વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીની સાથે સમાધાનકારી વલણ અપનાવ્યું તે સમગ્ર ઘટનાક્રમથી કોંગ્રેસનું જ એક જૂથ નારાજ હોવાના અહેવાલ છે. કોંગ્રેસના બે ધારાસભ્યોને કારણે ગૃહમાં બબાલ થઈ અને જે બે ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા તે પરેશ ધાનાણી અને બળદેવ ઠાકોર અનુક્રમે શક્તિસિંહ અને કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની નજીકના મનાઈ રહ્યા છે. સૂત્રો જણાવે છે કે નલિયાકાંડના મુદ્દે સરકાર સાથેના સમાધાનથી દુભાયેલા કોંગ્રેસી જૂથનો ઉકળાટ આ સભ્યોએ ગૃહમાં ઠાલવ્યો હતો. કોંગ્રેસના સભ્યોની હરકતો પ્રત્યેની નારાજગી વિપક્ષી નેતા શંકરસિંહના ચહેરા પર સ્પષ્ટ વર્ણવી હતી અને કલાસરૂમમાં તોફાની વિદ્યાર્થીઓ મોનીટરને ગાંઠતા ના હોય તેવી દશા શંકરસિંહબાપુની વર્તાતી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter