અમદાવાદ: ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકારે જાહેર કરેલા પદ્મ એવોર્ડમાં ત્રણ અમદાવાદીઓ ફોટોજર્નલિસ્ટ ઝવેરીલાલ મહેતા, કેન્સરના નિષ્ણાત ડો. પંકજભાઈ શાહ અને સનદી અધિકારી એસ. એસ. રાઠોડનો પણ સમાવેશ થાય છે.
અમદાવાદથી પ્રકાશિત થતા ગુજરાત સમાચાર સાથે જોડાયેલા અને ૯૦ વર્ષે પણ કેમેરા પર અદભુત કમાન્ડ ધરાવતા ઝવેરીલાલ મહેતાના ફોટોગ્રાફ્સ બાળકોથી માંડીને વયોવૃદ્ધે છાપામાં જોયાં હશે. ફોટા સાથે ઊંડાણપૂર્વકની ફોટોલાઈન આપતાં ઝવેરીલાલને પદ્મશ્રી મળવાની જાહેરાત પછી તેમણે કહ્યું કે, મને ગુજરાતની જનતાએ તો ક્યારનોય એવોર્ડ આપી દીધો છે. કેન્દ્ર સરકારે મારા કામની કદર કરી એ બદલ તેનો ખૂબ આભારી છું. કારકિર્દીની શરૂઆત સમાચારોના ફોટોગ્રાફ સાથે કરી. મોરબીના પૂરથી લઈને ૨૦૦૧ના ભૂકંપ સુધી સતત સમાચારોની સાથે રહ્યો. છેલ્લા ૨૦ વર્ષથી માનવીય સંવેદનાઓને હચમચાવતા વિષયો પર ફોટોગ્રાફી કરવાનો આનંદ અનેરો રહ્યો છે.’
તબીબ સાથે સેવાયજ્ઞી
ડો. પંકજ શાહ
ડો. પંકજભાઈએ કહે કે, ગુજરાત કેન્સર સોસાયટી અને સદવિચાર પરિવારમાં મને તબીબી ક્ષેત્રે સામાજિક સેવા કરવાની જે તક મળી એ માટે હું ઓન્કોલોજી ક્ષેત્રના તમામ સાથીદારો ખાસ કરીને સ્વ. ડો. ટી. બી. પટેલનો આભારી છું. પંકજભાઈએ કહ્યું હતું કે મેં કારકિર્દીની શરૂઆત ફિઝિશિયન તરીકે કરી હતી, પરંતુ ડો. ટી. બી. પટેલે મારી ટેલેન્ટની કદર કરી મને જર્મનીમાં ઓન્કોલોજીની ટ્રેનિંગ લેવા મોકલ્યો ત્યારે આ ક્ષેત્રમાં માત્ર ફક્ત બે જ અન્ય તબીબો હતા. આજે સમગ્ર દેશમાં ૩૦૦થી વધુ તજજ્ઞો મારા ક્ષેત્રમાં છે, જે પૈકી ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું શ્રેય મારી સંસ્થાને સાંપડ્યું છે અને આ ભગીરથ કાર્યમાં મારા પત્ની
ડો. પ્રવીણાબહેન ઉપરાંત મને તક આપનાર જયકૃષ્ણભાઈ, અરવિંદભાઈ, પ્રશાંત કિનારીવાલા અને પંકજભાઈ પટેલ એ સર્વોનો આભારી છું. આ મહાનુભાવોએ જો મને સારી તક અને યોગ્ય વાતાવરણ ન આપ્યું હોત તો ગુજરાત કેન્સર સોસાયટી એક શ્રેષ્ઠ સંસ્થા બની શકી હોત.
નર્મદા યોજના શિલ્પી
એસ. એસ. રાઠોડ
નર્મદા નિગમના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એસ. એસ. રાઠોડે પદ્મશ્રી એવોર્ડ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ભારત સરકારે નર્મદા નિગમ ઉપરાંત અગાઉ ગુજરાતના સિંચાઈ વિભાગ તથા રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે મારી કામગીરીની તથા સેવાની કદર કરીને આ ખિતાબ આપ્યો છે એ બદલ હું સરકારનો આભારી અને ઋણી છું. ગુજરાત કેડરના સુરતના ભૂતપૂર્વ મ્યુનિ. કમિશનર એસ. આર. રાવ બાદ પદ્મશ્રી મેળવનાર રાઠોડે કહ્યું હતું કે મારા પરિવાર અને મિત્રો ઉપરાંત સરકારના સાથીદારો, ખાસ કરીને ઇજનેરો તથા અધિકારીઓએ આપેલા સાથ અને સહકારના કારણે ગુજરાતે સિંચાઈ, માર્ગ અને મકાન તથા નર્મદા યોજનામાં બેનમૂન કામગીરી કરી છે. તેમાં સહયોગી થવા બદલ ગોરવ અનુભવું છું. નર્મદા યોજનાના છેલ્લા તબક્કામાં બંધના ગેટ્સ બનાવવા, યોજનાના અતિરિક્ત પાણીનો સદુપયોગ કઈ
રીતે શકાય એ આયોજનમાં
પણ રાઠોડની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે.


