અમદાવાદઃ ધનુર્માસનો ૧૫ ડિસેમ્બર - મંગળવારથી પ્રારંભ થયો છે. ધનુર્માસના પ્રારંભ સાથે હવે એક માસ સુધી લગ્ન-વાસ્તુ-ઉદ્ઘાટન આદિ માંગલિક કાર્યોનો નિષેધ રહેશે. હવે વર્ષ ૨૦૨૧માં લગ્ન માટેના કુલ ૫૧ શુભ મુહૂર્ત છે. આ પૈકી જાન્યુઆરીથી માર્ચ એમ ત્રણ મહિનામાં લગ્ન માટેનું એકમાત્ર શુભ મુહૂર્ત ૧૮ જાન્યુઆરીના છે. વસંતપંચમીના વણજોયું મુહૂર્ત ગણવામાં આવે છે, પરંતુ આ વખતે ૧૬ ફેબ્રુઆરીના વસંતપંચમી છે ત્યારે પણ લગ્ન માટે કોઇ શુભ મુહૂર્ત નથી. ૧૮ જાન્યુઆરી બાદ લગ્ન માટેનું શુભ મુહૂર્ત ૨૨ એપ્રિલના છે. લગ્ન માટે એપ્રિલમાં ૮, મેમાં ૧૬, જૂનમાં ૮, જુલાઇમાં ૫, નવેમ્બરમાં ૭ જ્યારે ડિસેમ્બરમાં ૬ મુહૂર્ત શુભ છે. વર્ષ ૨૦૨૦માં લગ્ન માટેના ૪૯ શુભ મુહૂર્ત હતા. જોકે કોરોના કાળને લીધે ખૂબ જ ઓછા દિવસ લગ્ન શક્ય બન્યા હતા.
ધનુર્માસમાં ધૂન-ભજન-કીર્તન કરવાનું માહાત્મ્ય છે. જેના કારણે મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે. જોકે કોરોનાને લીધે આ વખતે મોટાભાગના મંદિરોમાં ખૂબ જ ઓછા ભક્તો સાથે ધૂન-ભજન યોજાશે. શાસ્ત્રવિદોના મતે સૂર્યનારાયણ ધન રાશિમાં પ્રવેશે એટલે કે પશ્ચિમ વિથિકામાં પ્રવેશ કરે ત્યારે ધનુર્માસ કહેવાય છે.


