અમદાવાદ: આધ્યાત્મિક ગુરુ દાદા ભગવાનની ૧૧૧મી જન્મ જયંતીની ઉજવણી અમદાવાદ નજીક ત્રિમંદિરમાં ધામધૂમથી થઈ હતી. આ પ્રસંગે ગાંધીનગરના આંગણે અડાલજમાં નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં ૧૪મીએ પ્રારંભ થયો હતો. સાંજે આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઇના આશીર્વચન સાથે ૧૧ દિવસીય મહોત્સવનો પ્રારંભ થયો ત્યારે ૩૦ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ૩ કલાકના શુભારંભ સમારોહમાં ૯૬૦૦ ચોરસ ફૂટના મોટા સ્ટેજ ઉપર ૩ મોટા એલઇડી સ્ક્રિન, કોલ્ડ પાયરો, હાયડ્રોલિક ક્રેન, ડ્રાય આઇસ જેવી સ્પેશિયલ ઇફેક્ટ્સના ઉપયોગથી દાદા ભગવાનના જીવનચરિત્રનું હૃદયસ્પર્શી નાટયપ્રદર્શનનું ૨૫૦થી વધુ કલાકારો દ્વારા મંચન થયું હતું.
દીપકભાઇના વરદહસ્તે ‘જ્ઞાાની પુરુષ ભાગ-૨’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.આ મહોત્સવમાં ‘જોવા જેવી નગરી’ આકર્ષણનું કેન્દ્ર છે. જેમાં ૧૧ મલ્ટિમીડિયા થિયેટર શો, ચિલ્ડ્રન પાર્કમાં ગમ્મત સાથે જ્ઞાન પીરસતા ૧૨ શો, થીમ પાર્ક જેવા આકર્ષણો ઉભા કરવામાં આવ્યા હતા.
‘ભારત વિશ્વનું આધ્યાત્મિક કેન્દ્ર બનશે’
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૧૭મીએ સવારે ૧૦ વાગ્યે અડાલજના ત્રિમંદિરમાં બનાવાયેલી ‘જોવા જેવી દુનિયા’ની મુલાકાત લીધી હતી. આ મહોત્સવની વ્યવસ્થા, શિસ્ત અને સેવાર્થીઓની સમર્પિતતાની પણ પ્રશંસા કરી હતી. તેમણે ‘ભારત વર્લ્ડનું આધ્યાત્મિક કેન્દ્ર બનશે’ એવા દાદાશ્રીના કથનને યાદ કરીને કહ્યું હતું કે, હિન્દુસ્તાન વર્લ્ડનું આધ્યાત્મિક કેન્દ્ર બનીને જ રહેશે. તેમજ પૂજ્ય દીપકભાઈએ મુખ્ય પ્રધાન માટે આશીર્વચનો પાઠવ્યા હતા.


