દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ભારે વરસાદથી જળબંબાકાર

Wednesday 18th July 2018 07:53 EDT
 
 

ગુજરાતમાં ઠેર ઠેર મેઘમહેર થઈ રહી છે. તેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર જળપ્રલય સર્જાયો છે. હવામાન ખાતા દ્વારા જોકે જુલાઈમાં વધુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જાન-માલ અને પશુ ધનને ભારે નુક્સાન થયું છે.
સૌરાષ્ટ્રમાં જળબંબાકાર
ઉપલેટાના લાઠીમાં ૧૬મીએ ૩ કલાકમાં ૧૧ ઈંચ વરસાદ નોંધાયો હતો અને કોડીનારમાં ૧૧મીથી અઠવાડિયામાં કુલ ૩૨ ઈંચ વરસાદ વરસી ગયો હતો. સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી અને જંગલ વિસ્તારના ગીર સોમનાથ, સોરઠ, અમરેલી અને જૂનાગઢ જિલ્લાને ધમરોળતા મેઘરાજાએ ૧૬મી જુલાઈએ રૌદ્ર સ્વરૂપ બતાવતા ૫૦૦થી વધુ ગામો સંપર્ક વિહોણાં થઈ ગયાં હતા. વાવરડામાં પાણીમાં ફસાયેલાં ૩૦૦ લોકોને બચાવાયાં છે. ઉમેજમાં ૧૫ ઇંચ વરસાદથી ૨૦ લોકોનું સ્થળાંતર કરાયું છે. તાલાળાથી દેલવાડા આવતી ટ્રેન બંધ પડી જતાં એનડીઆરએફની ટીમે રેસ્ક્યૂ કરી ૨૫૨ મુસાફરોને બચાવાયાં હતાં. માત્ર ભાવનગર જિલ્લાનાં ૮૦ ગામોમાં જ વીજસપ્લાય ઠપ્પ થઈ ગયો છે. બે સ્ટેટ હાઇવે સહિત રાજ્યમાં કુલ ૧૩૦ રસ્તાઓ બંધ છે. સૌરાષ્ટ્રમાં રસ્તાઓ પણ બંધ રાખવાની ફરજ પડી રહી છે તો અનેક રસ્તાઓ ધોવાયા છે. ગીર ગઢડાનાં કાનકિયા ગામમાં ૧૨ ફૂટ જેટલાં પાણી ઘૂસી જતાં ગામ બેટમાં ફેરવાયું હતું. ખાંભા અને જાફરાબાદમાં ચાર ઇંચ વરસાદ પડયો હતો. કનેરી, કણાકિયા, સનવાવમાં પૂરમાં ફસાયેલાં ૮૫ લોકોને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરવા માટે તંત્રએ મદદ માગી હતી. સૌરાષ્ટ્રના ગીર ગઢડામાં સૌથી વધુ ૧૮ ઇંચ અને ઊનામાં ૧૪ ઇંચ વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં તારાજી
નવસારી અને વાપીમાં ૧૫મીથી ૩૬ કલાકમાં જ ૧૮ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારી, ઓલપાડ, તાપી અને વલસાડમાં એનડીઆરએફની ટીમો તહેનાત કરાઈ છે. નવસારીનાં ભાટ ગામથી દરિયો ખેડવા ગયેલા ૧૪ માછીમારો લાપતા થતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. રાજ્યમાં એરફોર્સ એલર્ટ કરાયું છે અને પાંચ નવી એનડીઆરએફની ટીમો બોલાવાઈ છે. વરસાદને કારણે ચોમાસામાં અત્યાર સુધીમાં ૨૭ નાગરિકો અને ૮૮ પશુ મૃત્યુ પામ્યાં છે. ૧પમી જુલાઈથી ૨૪-૩૬ કલાકથી ૯૫ ગામોમાં અંધારપટ છે.
કચ્છ કોરું કોરું
ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે, જુલાઈના પહેલા પખવાડિયા સુધીમાં ૧૦.૩૭ ઈંચ સાથે મોસમનો ૩૨.૩૨ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે, પણ કચ્છમાં કોરું જ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં જુલાઈના પહેલા પખવાડિયા સુધીમાં સરેરાશ ૨૭.૨૦ ઈંચ સાથે મોસમનો ૪૮.૧૪ ટકા જ્યારે કચ્છમાં સરેરાશ ૦.૧૯ ઈંચ સાથે મોસમનો ૧.૩૦ ટકા વરસાદ જ નોંધાયો છે. ભચાઉ, ભુજ, ગાંધીધામ, માંડવી, માળિયા મિયાણા એમ પાંચ તાલુકામાં અડધોઅડધ જુલાઇ મહિનો વીતી ચૂક્યો હોવા છતાં વરસાદ નથી. આ સિવાય અબડાસામાં ૦.૦૭ ઈંચ જ વરસાદ થયો છે. આમ, કચ્છમાં વરસાદને લઇને ચિંતાના વાદળો ઘેરાયા છે.

વિગતવાર સ્થિતિ

• વરસાદની મોસમનો કુલ માનવ મૃત્યુઆંક ૨૭ • રાજ્યમાં વરસાદમાં કુલ પશુ મૃત્યુ ૧૧૦ • વરસાદના કારણે રાજ્યના ૧૨૯ રોડ રસ્તાઓ બંધ • ૫ સ્ટેટ હાઈવે, ૧૨૪ પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ • બે સ્ટેટ હાઇવે સહિત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ૧૩૦ રસ્તા બંધ, ૯૫ ગામડાંમાં અંધારપટ છવાયો • વલસાડ, વાપી, નવસારી, આહવા ડાંગમાં ૪ થી ૧૫ ઇંચ વરસાદથી એલર્ટ, વાપીની શાળાઓમાં રજા આપી દેવાઇ છે
• સાપુતારામાં ભેખડો ધસી પડતાં પ્રવાસીઓ ફસાવાથી બચાવ કામગીરી માટે હેલિકોપ્ટરની મદદ લેવાઇ • વલસાડ જિલ્લાની ઓરંગા, પાર, કોલક, તાન, માન, દમણગંગા, નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી, ખરેરા અને પૂર્ણા નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યા છે. મધુબન ડેમના ૧૦ દરવાજા ખોલાયા, નર્મદા ડેમની સપાટી ૧૨૦.૨૩ મીટરને વટાવી ગઇ છે • વલસાડ-વાપીના રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેન વ્યવહાર અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter