દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે વરસાદ

Wednesday 06th June 2018 06:30 EDT
 
 

ગાંધીનગરઃ દક્ષિણ ગુજરાતના ડાંગમાં પહેલી જૂને વરસાદના છાંટણા પછી બીજી જૂને મધરાતે સુરત શહેર-જિલ્લા અને નવસારી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. આશરે અડધોથી ત્રણ ઇંચ વરસાદ દક્ષિણ ગુજરાતના જુદા જદા પંથકમાં થયો હતો. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં પણ વાવાઝોડા અને તોફાની પવન સાથે મેઘરાજાની સવારી ત્રાટકી હતી. સુરત જિલ્લામાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. કલાકના ૨૫થી ૩૦ કિ.મી.ની ઝડપે સુસવાટાભેર પવન ફુંકાવવાની સાથે આકાશમાં વાદળોના ગડગડાટ અને વિજળીના તેજ લિસોટા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. દોઢથી બે કલાક સુધી આવો તોફાની વરસાદ વરસ્યો હતો.
તોફાની વરસાદના પગલે આખું સુરત શહેર અંધકારમાં ફેરવાઇ ગયું હતું. મોસમનો પ્રથમ વરસાદ જ મન મૂકીને વરસતા સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ૩ ઇંચ, ઉમરપાડા અને સુરત શહેરમાં ૧.૫ ઇંચ સહિત તમામ તાલુકામાં વરસાદ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરતા સૌ ખુશ થઇ ઉઠયા હતા. નવસારી જિલ્લામાં અનેક સ્થળો પર વૃક્ષો તૂટી પડવા સાથે પતરું ઊડીને વાગતા એક યુવાનનું મોત થયું હતું.
કેળાના પાકને નુકસાન
બારડોલી તાલુકાના ઉતારા વધાવા, આફવા, ખલી, બારડોલીમાં અનેક ખેડૂતોની કેળ લૂમ સાથે જમીનદોસ્ત થઇ ગઇ હતી. જ્યારે પલસાણા તાલુકામાં પણ કેળના છોડ જમીનદોસ્ત થઇ ગયા હતા. કેળની લૂમ તૈયાર ન હોય પાક સંપૂર્ણ નિષ્ફળ જતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે. બારડોલી ખાતે કેળાનો વેપાર કરતી સરદાર બાગાયત અને શ્રી બાગાયતે ખેડૂતોનો સર્વે કામગીરી હાથ ધરી જેટલો પાક તૈયાર હોય તેની કાપણી શરૂ કરાવી છે.
અમરેલીમાં આંધી
અમરેલી પંથકમાં બીજી જૂને વાતાવરણ પલટાયું હતું. સાવરકુંડલામાં આંધી સાથે ૨ કલાકમાં ૩ ઇંચ વરસાદ ખાબક્યો હતો. લિલિયામાં ૨ ઇંચ, કુંકાવાવમાં અડધો ઇંચ, ગારિયાધરમાં ૧ ઇંચ વરસાદ ખાબક્યો હતો. સાવરકુંડલાની નાવલી નદીમાં પૂર આવતાં ૧ કાર તણાઈ હતી. જો કે કારમાં કોઈ બેઠું ન હોવાથી જાનહાનિ થઈ નથી. અનેક ઠેકાણે વૃક્ષો ધારાશાયી થયાં હતાં. વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી.
અમરેલીમાં વરસાદ બાદ રાજકોટ નજીકના કોટડાસાંગાણી પંથકમાં ચોથી જૂને સાંજે હવામાનમાં પલટા સાથે ધોધમાર વરસાદ વરસી જતા ઠંડક પ્રસરી ગઈ હતી. વીજળીના કડાકા સાથે કોટડાસાંગાણીમાં વરસાદનું જોરદાર ઝાપટું વરસી જતા માર્ગો પર પાણી ભરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter