અજમેર બ્લાસ્ટનો વોન્ટેડ આરોપી નર્મદા પરિક્રમા કરતો પકડાયો

Wednesday 28th November 2018 06:27 EST
 

ભરૂચઃ અજમેરની ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી દરગાહની બહાર ૨૦૦૭માં થયેલા બોમ્બ બ્લાસ્ટના ગુનામાં ૧૧ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી સુરેશ નાયરને ગુજરાત એટીએસની ટીમે શુકલતીર્થથી નારેશ્વર જવાના રસ્તે ઝડપી પાડ્યો છે. તેના માથે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ રૂ. બે લાખનું ઇનામ રાખ્યું હતું.
અમરકંટકથી નર્મદા પરિક્રમાએ નીકળેલો સુરેશ નાયર શુકલતીર્થમાં હોવાની બાતમી મળતાં એટીએસે બે દિવસથી શુકલતીર્થમાં ધામા નાંખ્યા હતા અને રવિવારે સવારે તેને પકડી લીધો હતો.
૨૦૦૭માં ૧૦મી ઓક્ટોબરે સાંજે દરગાહની બહાર બોમ્બ ધડાકો થયો હતો, જેમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં તથા ૧૧થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. આ કેસમાં ભરૂચમાં રહેતાં ભાવેશ પટેલ સહિત ૧૩થી વધુની સંડોવણી બહાર આવી હતી. અત્યાર સુધીમાં સાત આરોપી નિર્દોષ છૂટી ચૂક્યા હતા જ્યારે ભાવેશ સહિત બેને કોર્ટે આજીવન કેદ ફટકારાઈ છે. કેરળનો અને ઠાસરામાં રહેતો સુરેશ નાયર, રમેશ વેંકટરાવ, સંદીપ ડાંગે, રામજી કલસાંગરા નાસતા ફરતા હતા.
સાધુવેશે મંદિરોમાં ફરતો
તે ભગવા કપડાં, ગળામાં માળા, માથા-દાઢીના વધારીને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના મંદિરોમાં ફરતો હતો. શુકલતીર્થમાં કાર્તિકી મેળામાં લાખો લોકો હતાં. એટીએસની ટીમ માટે તેને પકડવાનું મુશ્કેલ હતું. આખરે ફોટાના આધારે સુરેશની ઓળખ થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter