અફવાથી હીરા ઉદ્યોગને મોટું નુકસાન થાય છે

Tuesday 07th July 2015 14:52 EDT
 

સુરતઃ છેલ્લા બે-અઢી વર્ષમાં ખાસ કરીને સુરતના હીરાઉદ્યોગમાં ૪૨ જેટલા પાર્ટી ઉઠમણાઓમાં રૂ. ૧૨૦૫ કરોડની રકમ ફસાઇ હતી. જોકે, ઉઠમણાં બાદ અંદાજે ૬૦ ટકા કેસમાં સમાધાન થતું હોય છે. જોકે, ઘણા કિસ્સામાં અફવા ફેલાતા તેની સમગ્ર અસર બજાર પર થાય છે અને તેનાથી ઉદ્યોગને મોટું નુકસાન થતું હોવાનું વેપારીઓ માને છે.

સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દિનેશ નાવડીયાએ હીરા ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિ અંગે જણાવ્યું કે, અત્યારે જે કાંઇ વાતાવરણ બન્યું છે, તે વર્ષ ૨૦૦૮ જેટલું નકારાત્મક નથી. મેન્યુફેકચરર્સ બજારના સુધારાની અપેક્ષાએ રફ ખરીદતાં ગયા અને સ્ટોક થતો ગયો તેથી અંતે મુશ્કેલી આવી છે.

અત્યારે કારીગરોને છૂટા કરવામાં આવે છે, પણ તેની સંખ્યા મોટી નથી. ગોધાણી જેમ્સ અને બીજા એકમો મળી ૧૫૦ કારીગરો બેકાર થયા છે. ગત દિવાળી પછી દસેક જેટલી ઘંટીઓ ચલાવતાં નાના એકમોએ કામ બંધ કર્યું છે. આવા એકમોની સંખ્યા ૩૦૦થી ૪૦૦ જેટલી છે. હીરા બજારમાં અફવાઓને કારણે વ્યવસ્થિત કામ કરનારાઓને પણ સહન કરવું પડે છે અને આવું આ વર્ષે થયું છે. ક્રુડ કે શેર બજારના સટ્ટા કે પછી રિઅલ એસ્ટેટમાં રોકાણોને કારણે હીરાઉદ્યોગમાંથી પૈસા ખેંચાઇ જાય છે, તેવી વાતો થાય છે. પણ, ખરેખર એવું હોતું નથી. હીરાઉદ્યોગ વિર્ષ ૧૯૫૫થી વિશ્વાસ ઉપર ચાલે છે. પણ, સોશ્યલ મીડિયા અને વોટ્સએપ ઉપર વહેતાં સંદેશાને કારણે વિશ્વાસ તૂટયો છે. જોકે, આવી પ્રવૃત્તિ માટે કાનૂની પગલાં કંઇ રીતે લઇ શકાય, એ અંગે વિચારીએ છીએ.

રૂ.૭૦૦ કરોડનાં હવાલા કાભાંડ સુરતના શખ્સની ધરપકડઃ સુરત શહેરના અફરોઝ ફટ્ટાની તપાસમાં એન્ફોર્સમેન્ચ ડાયરેક્ટોરેટ (ઇડી)એ રૂ. ૭૦૦ કરોડનું વધુ એક હવાલા કૈાભાંડ પકડ્યું છે. ઇડીની તપાસમાં સુરતની મેબરોક ટ્રડિંગ કંપનીના માલિક મનીષ ભોગીલાલ શાહની ધરપકડ થઇ છે. ભારતભરમાં ફેલાયેલા અફરોઝ ફટ્ટાના હવાલાકાંડમાં વધુ તપાસ કરાતા દુબઇના મોટાગજાના હવાલા ઓપરેટરોના નામો ખુલ્યા છે. ટૂંક સમયમાં રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરીને દુબઇના ઓપરેટરોની ધરપકડ કરાશે. ઇડીએ રૂ. ૧૦ હજાર કરોડના હવાલા કૌભાંડમાં સુરતના અફરોઝ ફટ્ટા, મુંબઇના મદનલાલ જૈન, રાકેશ કોઠારીની ધરપકડ કરી છે. આ કેસની તપાસ ચાલુ રાખવામાં આવતા અફરોઝ ફટ્ટાની બોગસ કંપનીઓમાંથી દુબઇની કંપનીમાં રૂ.૭૦૦ કરોડ હવાલાથી ટ્રાન્સફર થયા હોવાના પુરાવા ઇડીને મળતા મનિષ શાહની સુરતમાંથી ધરપકડ કરાઇ છે.

સુરતમાં બિલ્ડરનું આઠ કરોડનું રોકાણ પકડાયુંઃ આવકવેરા વિભાગે શેર બજારમાં મોટાપાયે શેરની લેવાલી કનારા અને જમીનોની ઉથલપાથલ કરનારા બિલ્ડરોને સકંજામાં લઈ સપાટો બોલાવ્યો છે. વ્હાઈટ વિંગ્સ ગ્રૂપના બિલ્ડર જીગ્નેશ અમીનના રૂ. આઠ કરોડના શેરબજારના વ્યવહારના અને અન્ય એક બિલ્ડરને ત્યાંથી પણ કરોડોના દસ્તાવેજો કબ્જે લીધા છે. એક તરફ બિલ્ડરોને પ્રોજેક્ટ બુકિંગમાં તકલીફ પડી રહી છે તો બીજી તરફ ઠપ્પ થયેલા જમીનોના સોદા વચ્ચે વિગાગે ચાર બિલ્ડરોને સકંજામાં લેતાં લોકોમાં અનેક અટકળો થઈ રહી છે. પરંતુ કહેવાય છે કે આવકવેરા વિભાગે સુરતમાં બિલ્ડરોના જમીન ઉપરાંત શેરબજારના વ્યવહારો ઉપર પણ બાજ નજર રાખી હતી. આથી અલથાણ કેનાલ રોડ પરના વ્હાઈટ વિંગ્સ ગ્રૂપના આલિશાન કોમર્શિયલ પ્રોજેક્ટના સ્થળ અને રીંગરોડની યુટીસી ગ્રૂપના ઉત્તમચંદ નામના બિલ્ડરને ત્યાં તપાસ કરી છે.

પ્રથમવાર એક સાથે સાત બાળકો દત્તક અપાયા! ગુજરાતમાં પ્રથમવાર કહી શકાય એવા એક કાર્યક્રમમાં ગત સપ્તાહે ભરૂચના નારીકેન્દ્રમાં શિશુગૃહમાંથી સાત અનાથ બાળકોને નિઃસંતાન દંપતીઓને દત્તક અપાયા હતા. જેમને સાત બાળકો દત્તક અપાતા અનાથ બાળકોને માતા-પિતાનું છત્ર મળ્યું હતું. સ્થાનિક ધારાસભ્ય દુષ્યંત પટેલે આ પ્રસંગને રાજ્યનો પ્રથમ પ્રસંગ ગણાવી કાર્યક્રમની સરાહના કરી હતી. તેમણે કહ્યું હતું કે વેલ્ફેર કમિટીના ચેરમેન રાજેન્દ્ર સુતરીયા અને તેમની ટીમ ઈશ્વરીય કાર્ય કરી રહ્યા છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter