અસંખ્ય શ્રમિકો રોજગારી માટે સુરત ક્લસ્ટર ઝોનમાંથી બહાર નીકળ્યા

Wednesday 10th June 2020 06:44 EDT
 
 

સુરતઃ લિંબાયત ઝોનમાં હજી પણ કોરોનાના પોઝિટિવ કેસ ઓછા થતા નથી. કોરોનાના સંક્રમણના ભય વચ્ચે આઠમી જૂને સવારે સંખ્યાબંધ લોકો નોન ક્લસ્ટર વિસ્તારમાં રોજી માટે નીકળ્યા હોવાનો વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. ક્લસ્ટરમાંથી નોન ક્લસ્ટરમાં જાય તો સંક્રમણની શક્યતા વધી જાય છે. જોકે, શ્રમજીવીઓને કોરોના કરતાં ભૂખમરાનો ડર વધુ લાગી રહ્યો છે તેથી કોરોના ભયને બાજુએ મૂકીને મોટી સંખ્યામાં રોજગારી માટે નીકળી પડ્યા હોવાનો વીડિયો વાઈરલ થયો છે.
ભૂખમરો થાય તે પહેલાં રોજીરોટીનો પ્રયત્ન
સુરતમાં આઠમીએ કોરોનાના કેસ બે હજારને વટી ગયા હતા. લિંબાયત ઝોનમાં પોઝિટિવ કેસનો આંકડો ૬૭૦ને વટાવી ગયો હતો અને મૃત્યુની સંખ્યા પણ લિંબાયતમાં જ સૌથી વધુ છે. લિંબાયતમાં કેસ વધુ હોવાથી આ વિસ્તારના લોકો અન્ય જગ્યાએ નોકરી ધંધે જાય તો સંક્રમણ થાય તેમ હોવાથી પાલિકા કમિશનરે આ વિસ્તારના લોકોને નોકરી ધંધે નહીં રાખવા માટે સૂચના આપી છે, પરંતુ તેનો અમલ થતો ન હોવાની ફરિયાદ થઈ રહી છે. આ ફરિયાદ વચ્ચે આઠમીએ ક્લસ્ટર ગણાતા આંજણા વિસ્તારના આંબેડકર નગરના સંખ્યાબંધ શ્રમિકો સોશિયલ ડિસ્ટન્સ સાથે પોતાના વિસ્તારની બહાર રોજીરોટી માટે નીકળી પડ્યા હતા. આ વિસ્તારના લોકો કહે છે કે, ક્લસ્ટર હોવાથી બધા નોકરી ધંધા બંધ છે અને સરકાર દ્વારા આપવામાં આવતું ભોજન પણ બંધ થયું છે. જેથી ભૂખમરો થાય તે પહેલાં રોજીરોટી મેળવવાનો આ પ્રયાસ છે.
જીવ જોખમમાં મૂકી છૂટક મજૂરીની મજબૂરી
લિંબાયત ઝોનના સ્થાનિક કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, ગરીબ શ્રમિક લોકોને હવે કોરોના કરતાં ભૂખમરાનો ભય વધુ છે અને આ સત્ય વહીવટીતંત્ર જાણવા છતાં અજાણ બને છે! આજે અસંખ્ય શ્રમિકો પોતાના પેટિયું રળવા માટે ક્લસ્ટર ઝોનના રોડ રસ્તા બંધ હોવા છતાં જાન જોખમમાં મૂકી છૂટક મજૂરી કરવા મજબૂરીથી સોશિયલ ડિસ્ટન્સ સાથે રોડ પર નીકળ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter