આ વર્ષે ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી ૨૬૧ પિતાવિહોણી દીકરીઓનાં લગ્ન કરાવશે

Wednesday 14th November 2018 06:43 EST
 
 

સુરત: ઉદ્યોગપતિ મહેશ સવાણી આ વર્ષે પિતાવિહોણી ૨૬૧ દીકરીઓનાં લગ્ન કરાવશે. આ ૨૬૧ દીકરીઓમાં છ મુસ્લિમ અને બે ખ્રિસ્તી છે. આ સાથે તેઓની દીકરીઓનો પરિવાર ૨૩૮૪નો થશે. લગ્નમાં ઉપસ્થિત રહેવા સાધ્વી ઋતંભરા અને મનિન્દરસિંઘ બિટ્ટાએ હાલમાં તો આમંત્રણ સ્વીકારી લીધું છે અને અન્યોને આમંત્રણ મોકલાઈ રહ્યા છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ બટુકભાઈ મોવલીયા પરિવાર મહેશભાઈનો સાથ આપશે. આ વર્ષે તેમણે દત્તક લીધેલી ૨૬૧ દીકરીઓના લગ્નની થીમ ભૂમિ હશે. ૨૬૧ દીકરીઓનાં પરિવારમાં દીકરી દીઠ સો પાસ અપાશે. જેથી વર વધૂના પરિવારની કુલ ૫૨,૨૦૦ વ્યક્તિ, સવાણી પરિવારના ૧૦,૦૦૦ અને સ્વયંસેવક ૨૦૦૦ પરિવાર સાથે એક લાખ જેટલાં લોકો લગ્નમાં હશે. બે હજાર સ્વયંસેવકો દીકરીઓને મહેંદી મુકાવવાથી માંડી તમામ જરૂરતો માટે કામગીરી સંભાળશે.
દરેક પુત્રીને બ્યુટીપાર્લરના પાસ અપાયા છે. તેમની સાથે દીકરીની બહેન અને ભાભીને મહેંદી મૂકી અપાશે. આથી મહેંદી મુકાવનારા ૭૮૩ અને બીજા પરિવારના મળી બે હજાર જેટલાં થશે. દરેક દીકરીની કંકોતરી તેમના કુટુંબના રિવાજ મુજબ બનાવી છે. એક દંપતી દીઠ ૧૦ ડાઈનિંગ ટેબલ હશે. દરેક દીકરી દીઠ પાંચ સ્વયંસેવક રહેશે. આ સ્વયંસેવકોમાં અગાઉ લગ્ન થયા હોય તેવી દીકરીઓ હશે. જેથી લગ્ન કરનાર દીકરીને માર્ગદર્શન જોઈતું હોય તો મળી રહે. સુરતના પી. પી. સવાણી ગ્રુપ દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી નાતજાતના ભેદભાવ વગર પારકી દીકરીઓને પોતાની સમજી લગ્ન કરાવાય છે. વિવાહના પાંચ ફેરાથી ૨૦૧૨માં દીકરીઓનાં લગ્ન કરાવવાનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના અને દીકરી દિલનો દીવો જેવા પ્રસંગો સાકાર કરાયા. ૨૦૧૭માં પારેવડી થીમ અપાઈ હતી અને હવે લાડકડી અપાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter