આતંકી હુમલાનો ભોગ બનેલાં લલીબહેનનું સારવાર દરમિયાન મૃત્યુ

Wednesday 19th July 2017 08:59 EDT
 
 

વલસાડઃ વલસાડની ઓમ ટ્રાવેલ્સની બસ પર અનંતનાગમાં દસમી જુલાઈએ રાત્રે બે વાગ્યે ૩ બાઈકસવાર આતંકીઓએ ગોળીબાર કરતાં બસની જમણી તરફ બેઠેલા ૧૮થી વધુ યાત્રાળુઓને ગંભીર ઈજા થઈ હતી. જેમાંથી એકનું ઘટનાસ્થળે અને અન્ય ૬ યાત્રાળુઓનાં હોસ્પિટલમાં મૃત્યુ થયાં હતાં. આ તમામને ૧૧મી જુલાઈએ વાયુસેનાના વિમાનમાં સુરત અને ત્યાંથી તેઓના વતન પહોંચાડાયા હતા. વલસાડના દશેરા ટેકરી વિસ્તારમાં રહેતા લલીબહેન ભગુભાઈ પટેલ (ઉ.વ. ૬૨)ની હાલત ગંભીર હોવાથી તેમને બસમાં સાથે ગયેલા રસોઈયા યોગેશભાઈની દેખરેખમાં શ્રીનગરની હોસ્પિટલમાં રખાયા હતા. ત્યાં લલીબહેનનું રવિવારે વહેલી સવારે મૃત્યુ થયું હતું. તેઓનાં પેટની ઉપરનાં ભાગે ગોળી આરપાર નીકળી ગઈ હતી. તેમના પર બે વખત શસ્ત્રક્રિયા કરાઈ, પરંતુ બ્લિડિંગ અટકતું જ નહોતું. રવિવારે લલીબહેનનાં મૃત્યુ સાથે જ આ આતંકી હુમલામાં મુત્યુઆંક ૮ થયો છે. લલીબહેનનો મૃતદેહ શ્રીનગરથી વાયુસેનાના વિમાનથી સુરત આવ્યા બાદ મૃતદેહને વલસાડ તેમના ઘરે પહોંચાડાયો હતો ત્યાં તેમને શ્રદ્ધાંજલિ આપવા લોકોનાં ટોળાં ઉમટી પડ્યા હતા.
પારડી - ગણદેવી બંધ
અમરનાથ હુમલાના વિરોધમાં ૧૨મીએ વલસાડમાં તમામ ધંધા-રોજગારના સ્થળે, લારી-ગલ્લાઓએ બંધ પાળ્યો હતો. વલસાડના મુસ્લિમ સમાજે પણ બે મિનિટ મૌન રાખ્યું હતું. પારડી અને ગણદેવીમાં આતંકી હુમલાને વખોડીને શાંતિપૂર્ણ બંધ પળાયો હતો.
આર્મી જવાનો માન્યા હતા
સેલવાસના નરોલીમાં રહેતા પ્રવીણભાઈ પટેલે જણાવ્યું છે કે, અમરનાથના રસ્તે ઠેરઠેર જવાનો તૈનાત હતા. તેમને યાત્રિકો હાથ ઊંચો કરીને ‘જય ભોલે...’ કહેતા ત્યારે જવાનો પણ હાથ ઊંચો કરતા. અમે આગળ ઊભેલા ૩ને પણ સૈનિક સમજીને ‘જય ભોલે’ કહ્યું તો તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું. હુમલો થતાં ડ્રાઈવર સલીમ શેખે બસને ફુલ સ્પીડે દોડાવી. છતાં ગોળીબાર ચાલુ હતો. હું સીટ નીચે છુપાયો હતો છતાં એક ગોળી મારા ખભાને વીંધીને બાજુમાં બેઠેલા કેટરિંગનું કામ કરતા લક્ષ્મીબહેન પટેલને વાગી. એ પછી ત્રણેય આતંકીએ ભાગી ગયા, પણ પછી અઢીસો ફૂટના અંતરે બીજા બે આતંકીઓ બાઈક પર આવ્યા ને ડ્રાઈવર પર ગોળીઓ છોડી જોકે ડ્રાઈવર નીચે નમી જતાં ક્રોસમાં બેઠેલા ટુર ઓપરેટર હર્ષ દેસાઈને ગોળીઓ વાગી. દરમિયાન એક આતંકીએ બસમાં ઘૂસવા પ્રયત્ન કર્યો ત્યારે ક્લિનરે તેને ધક્કો મારીને દરવાજો બંધ કરી દીધો હતો, પણ તે પહેલાં આતંકીએ ગોળીબાર કર્યો હતો.
ઘટના બાદ ભારતીય જવાનોએ અને કાશ્મીરી સેવાદળના ૨૫-૩૦ કાર્યકરોએ ખડેપગે અમારી મદદ કરતા યાત્રાળુઓનું મનોબળ મજબૂત રહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter