આલિયાબેટમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નહીં

Saturday 01st May 2021 05:22 EDT
 

ભરૂચઃ કોરોનાના બીજા વેવ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાનો ૨૨ હજાર હેકટરમાં રહેલા આલિયાબેટ પર વસતા ૫૦૦ જત લોકોમાં કોરોનાનો એક પણ કેસ નથી. ખંભાતના અખાતના નર્મદાના સંગમસ્થાને આવેલા આ વિશાળ અવાવરું બેટ પર વર્ષો પહેલાં કચ્છથી આવેલો જત સમુદાય વસે છે. આઝાદીના આટલા વર્ષોમાં તેઓ વિકાસથી હજી પણ વંચિત છે. અહીં વિકાસે હજી સુધી પગ નથી મૂક્યો તો કાતિલ કોરોનાની પણ અહીં પગ મૂકવાની હિંમત થઈ નથી.
આધુનિક જમાનામાં પણ જત કોમના લોકો પાયાની સુવિધાઓથી વંચિત છે. સૈકા પૂર્વે કચ્છથી પાણી અને ઘાસચારાની શોધમાં હિજરત કરી ગયેલા જત કોમના લોકો અવાવરું આલિયાબેટ પર આલ નામના ઘાસના કારણે પશુઓ માટે અનુકૂળ જગ્યા હોવાથી વસ્યા હતા. જેમની વસ્તી આજે ૫૦૦થી વધુ છે. તેમની પાસે ૧૦૦૦થી વધુ દુધાળા પશુ અને ૬૦૦ ઊંટ છે.
અહીં કોરોના કેમ નથી?
સ્થાનિકો સ્થાનિક અગ્રણી મહમદ જતે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી કોરોના મહામારી ચાલી રહી છે પરંતુ અહીં વિકાસ નહિ હોવા સાથે કોરોનાનો પગપેસરો પણ થયો નથી. હાલ પણ સ્થાનિકો બદતર જીવન જીવી રહ્યા છે. પાણી, રસ્તા અને વીજળી સહિતના મોરચે સ્થાનિકો તંત્રની મદદના ઈન્તેજારમાં છે. ગામમાં એક શાળા છે.
ધોરણ ૧થી ૮ માટે જેમાં ૫૦ જેટલા બાળકોને અંકલેશ્વરના શિક્ષક પોતાનું ઘર અને પરિવાર છોડી બાળકોના ભવિષ્ય માટે આલીયાબેટમાં સ્થાયી છે.
બેટમાં પ્રવેશના નિયમો
જેમ કે, બેટ પરથી જરૂર વગર કોઈએ બહાર જવું નહીં, બહારથી કોઈ પણ વ્યક્તિને આવવા દેવી નહીં, દૂધ આપીને યુવાનો હાંસોટ, અંકલેશ્વર અને ભાડભુતથી પરત ફરે એટલે કોઇના સંપર્કમાં આવે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter